(એજન્સી) નવી દિલ્હી, તા. ૬
પીએનબી કૌભાંડ બાદ સરકારી બેંકોના વધતા એનપીએ પર ચાલતી નિવેદનબાજી પર ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર નિશાન તાક્યું છે. ગૌતમ અદાણીને જાહેર ક્ષેત્રના સૌથી મોટા નોન પર્ફોમિંગ એસેટ (એનપીએ) દેણદાર ગણાવતા તેમની જવાબદારી નક્કી કરવાની માગ કરી હતી. સ્વામીએ ટિ્‌વટ કરી હતી કે, જાહેર ક્ષેત્રમાં અદાણી સૌથી મોટા એનપીએ દેણદાર છે. હવે સમય આવી ગયો છે કે, તેમના માટે જવાબદારી નક્કી કરવામાં આવે. સ્વામીએ ટિ્‌વટ કરી કહ્યું હતું કે, મેં અગાઉ ટિ્‌વટમાં જણાવ્યં હતું કે, ગૌતમ અદાણીની સ્થિતિ ગૂંચવાઇ રહેલી દેખાય છે. મારી પાસે માહિતી છે કે તેમની પાસે ૭૨૦૦૦ કરોડ રૂપિયાનું એનપીએ છે. જોકે આ વાત ફક્ત તપાસ બાદ સ્પષ્ટ થઇ શકશે.તેથી મેં આ સવાલ ઉઠાવ્યો છે. સ્વામીએ એમ પણ કહ્યું કે, જો આમાં ગૌતમ અદાણીની જવાબદારીનક્કી નહીં થાય તો તેઓ આ મામલે જાહેર હિતની અરજી દાખલ કરશે. તેમણે એમ પણ કહ્યું કે, ગૌતમ અદાણી ઘણી બાબતોથી બચી રહ્યા છે અને તેમને કોઇ પૂછી રહ્યું નથી. આ સરકાર માટે શરમજનક વાત છે કેમ કે તે તેમને પોતાની નજીકના ગણાવે છે. સ્વામીએ કહ્યંુ કે, સરકારે અદાણીની કંપનીઓ અને એનપીએ વિરૂદ્ધ તમામ મામલા પર સ્ટેટસ રિપોર્ટ માગવો જોઇએ. આ સાથે જ સ્વામીએ અદાણી ગ્રૂપના કોલસા આયાત પર ઉઠેલા વિવાદ તથા ઓસ્ટ્રેલિયામાં તેમના ઉદ્યોગ અંગે પણ રિપોર્ટ માગવા અંગે પણ માગ કરી હતી. બ્લૂમબર્ગના ડેટા અનુસાર સપ્ટેમ્બર ૨૦૧૭ સુધી અદાણી પાવરનીકુલ બાકી રકમ ૪૭,૬૦૯.૪૩ કરોડ, અદાણી ટ્રાન્સમિશનની ૮,૩૫૪.૦૭ કરોડ રૂપિયા, અદાણી એન્ટની ૨૨,૪૨૪.૪૪ કરોડની રકમ બાકી છે જ્યારે અદાણી પોર્ટની ૨૦,૭૯૧.૧૫ કરોડ બાકીની રકમ છે.