(એજન્સી) ગુવાહાટી, તા.૩
ચીનના વુહાન શહેરમાં હજારો લોકોનો ભોગ લીધા બાદ હવે ભારત સહિત સમગ્ર વિશ્વને ભયભીત કરનાર જીવલેણ કોરોના વાયરસનો ઇલાજ શોધવા માટે સમગ્ર વિશ્વ ફાંફાં મારી રહ્યું છે ત્યારે આસામમાં ભાજપના ધારાસભ્ય સુમન હરિપ્રિયાએ ગૌમૂત્ર અને ગોબર (છાણ)થી કોરોના વાયરસનો ઇલાજ થઇ શકતો હોવાનો દાવો કરીને રાજ્ય વિધાનસભામાં બધાને સ્તબ્ધ કરી દીધી હતા. વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન બાંગ્લાદેશમાં ઢોરની તસ્કરી અંગે હાથ ધરવામાં આવેલી ચર્ચા દરમિયાન તેમણે જણાવ્યું કે ગૌમૂત્ર અને છાણ કેન્સર જેવા જીવલેણ રોગો મટાડવામાં સહાયરૂપ થાય છે. તેમણે એવું પણ કહ્યું કે, આપણે બધા જાણીએ છીએ કે ગાયનું છાણ કેટલું લાભદાયી છે. એવી જ રીતે વિસ્તારને શુદ્ધ કરવા માટે પણ ગૌમૂત્રનો છટકાવ કરવામાં આવે છે. સુમન હરિપ્રિયાએ એવું પણ કહ્યું કે, તેઓ એવું માને છે કે આવી જ રીતે ગૌમૂત્ર અને છાણથી કોરોના વાયરસનો પણ ઠીક થઇ શકે છે કે તેનો ઇલાજ કરી શકાય છે. તેમણે કહ્યું કે, ભારતમાંથી પશુઓની તસ્કરીથી બાંગ્લાદેશનું અર્થતંત્ર મજબૂત થયું છે. વિશ્વમાં બીફની નિકાસ કરનાર બાંગ્લાદેશ બીજું સૌથી મોટું નિકાસકાર છે.