(એજન્સી) તા.ર૦
ગૌશાળા આજે કમાણીનું સાધન બની ગયું છે. ગૌસંરક્ષણ કેન્દ્રમાં જ ગૌરક્ષક જ ભક્ષક બની ગયા છે. અહેવાલ મુજબ રાયસેનના ગૌસંરક્ષણ કેન્દ્રમાંથી ૧પ૦થી વધુ ગાયોના હાડપિંજર મળી આવ્યા છે. ખબર અનુસાર રાયસેનના આ ગૌસંરક્ષણ કેન્દ્રમાં ગાયોના ચામડાં ઉતારી લઈ તેનો ગેરકાયદે વેપાર કરવામાં આવે છે. એક અહેવાલ મુજબ આ ગૌસંરક્ષણ કેન્દ્રમાં ૧પ૦ ગાયના હાડપિંજર મળ્યા છે. જેમાંથી કેટલીક ગાયોના હાલમાં જ મૃત્યુ થયા હોય તેવા શબ પણ મળી આવ્યા હતા. આ મૃત્યુ પામેલ ગાયોના શરીર પર ચામડાં નહોતા. ગૌરક્ષાના નામ પર ગાયના ચામડાંનો ગેરકાયદે વેપાર કરતાં વેપારીઓ આ કેન્દ્રમાં અન્ય કોઈ વ્યક્તિને પ્રવેશવાની પરવાનગી આપતા નથી. ગૌસંરક્ષણ કેન્દ્રની બહાર લાઠીવાળા ચોકીદારને બેસાડવામાં આવે છે. ગૌસંરક્ષણ કેન્દ્રના માલિક પ્રહ્‌લાદદાસ માગરે મુજબ રોજ પંદરથી વીસ ગાયો મૃત્યુ પામે છે. એમને ક્યાં સુધી દાટવાની એને કારણે હાડપિંજર ભેગા થઈ જાય છે. ગૌસંરક્ષણ કેન્દ્રની આજુબાજુના લોકોનું કહેવું છે કે, કોઈને પણ અંદર પ્રવેશવાની મનાઈ છે અને કેન્દ્રમાં ગાયોને કંઈપણ ખવડાવવામાં આવતું નથી. ગૌસંરક્ષણ કેન્દ્રમાં દરરોજની ગાયો મરે છે તો વર્ષ ૧૯૯૪માં રજિસ્ટર્ડ થયેલ સંસ્થા દ્વારા આ સંદર્ભે કેમ કોઈ પગલાં લેવામાં આવ્યા નહીં. એ આશ્ચર્યજનક છે. આ મામલે રાયસેન કલેકટર ભાવના વાલિંબે જણાવ્યું કે, તેમણે ઉપસંચાલક પી.કે.અગ્રવાલને ઘટના સ્થળે મોકલી યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.