(એજન્સી) તા.૩૦
ગૌરી લંકેશની પ૬મી વર્ષગાંઠ નિમિત્તે તેમની યાદમાં આયોજીત એક કાર્યક્રમમાં સંબોધન કરતા તેમના મિત્ર અને અભિનેતા પ્રકાશ રાજે કહ્યું હતું કે, ગૌરી લંકેશની હત્યા તેમના અવાજને દબાવી શકી નથી પરંતુ તે વધારે ઊંચી થઈ ગઈ છે.
આ કાર્યક્રમમાં કનૈયાકુમાર, જિગ્નેશ મેવાણી, શહલા રાશિદ, ઉમર ખાલિદ, અલ્હાબાદ યુનિવર્સિટીની છાત્ર સંઘની પૂર્વ અધ્યક્ષ ઋચાસિંહ, ઈરોમ શર્મિલા અને અન્ય નવયુવાન સ્વયંસેવકોએ હાજરી આપી હતી. આ લોકોએ ગૌરી લંકેશના જન્મદિવસની ‘ગૌરી ડે’ તરીકે ઉજવણી કરી સંવિધાનની સુરક્ષા માટે સંઘર્ષ કરતાં રહેવાનો સંકલ્પ કર્યો હતો.
આ બાબત વિશે ખુલાસો કરતાં કે ગૌરી લંકેશનો અવાજ કઈ રીતે ઊંચો થઈ ગયો છે તેમના મિત્ર પ્રકાશ રાજે કહ્યું હતું કે, ગૌરી આપણા બધામાં વસે છે. ઈતિહાસ આપણને બતાવે છે કે જ્યારે એ લોકો મરે છે કે, જેઓ સમાજ માટે બોલે છે અને અન્યાય વિરૂદ્ધ અવાજ ઉઠાવે છે તો તેમની અવાજ ચૂપ થતી નથી પરંતુ ઝાડની ડાળીઓની જેમ ફેલાઈ જાય છે.