(એજન્સી) બેંગ્લુરૂ, તા.૧૬
પત્રકાર ગૌરી લંકેશની હત્યા મામલે ધરપકડ કરાયેલ નવીનકુમાર ઉર્ફે હોટ્ટે મંજાનો નાર્કો ટેસ્ટ કરાવવાની તારીખ નક્કી કરી દેવામાં આવી છે. મામલાની તપાસ કરી રહેલા એસઆઈટીના એમ.એન.અનુચેતે જણાવ્યું કે, નવીનને ૧૬થી ૩૦ એપ્રિલ સુધી ગુજરાતના ગાંધીનગરમાં એફએસએલમાં ટેસ્ટ કરવામાં આવશે. નવીનકુમાર સોમવારે ન્યાયાલયની સામે હાજર થઈને ગાંધીનગર લઈ જવામાં આવશે. ન્યાયાલયે ૧ર માર્ચના રોજ ટેસ્ટની મંજૂરી આપી હતી. એસઆઈટી અને એફએસએલ તારીખ નક્કી થવાની રાહ જોઈ રહ્યા હતા. આરોપી નવીનકુમારે પરચ્યન અગ્રાહર કેન્દ્રીય જેલના મુખ્ય અધિક્ષક સોમ શેખરને પત્ર લખી જણાવ્યું કે તેઓ ટેસ્ટ માટે તૈયાર નથી. એસઆઈટી અધિકારીઓના દબાવમાં તૈયાર હોવાની વાત કહી છે. નવીનકુમારે ત્રીજા વધુના મેટ્રોપોલિટન ન્યાયાલયના ન્યાયાધીશને પણ પત્ર મોકલીને ટેસ્ટ રોકવાનો આગ્રહ કર્યો હતો.