(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૨૨
ગૌશાળા અને પાંજરાપોળ જેવી સંસ્થાઓને જમીન ટોચ મર્યાદા કાયદામાંથી મુકતી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આજે વિધાનસભા ખાતે ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા સુધારા વિધેયક રજૂ કરતા નાયબ મુખ્યમંત્રી પટેલે ઉમર્યું હતું કે, ભૂતકાળમાં પણ આવી જમીન માટે થયેલી અપીલો પણ આપોઆપ રદ થશે અને વધુ જમીનો રાખવાની મંજૂરી આ સુધારાથી મળી શકશે. ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા અધિનિયમ ૧૯૬૦ રાજ્યમાં અમુક મર્યાદાથી વધુ ખેતીની જમીન રાખવા પર નિયંત્રણ લગાવેલ છે. આ અધિનિયમ અંતર્ગત પાંજરાપોળ ગૌશાળાના નિભાવ માટે ઉપયોગમાં લેવા જમીનો જેને ગુજરાત સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ ૧૯૫૦ હેઠળ સાર્વજનિક ટ્રસ્ટ તરીકે નોંધણી થયેલી જાહેર ધાર્મિક સંસ્થાની મિલકત હોવાને કારણે અથવા નિર્દિષ્ટ તારીખથી એક વર્ષની મુદતની અંદર અધિનિયમ હેઠળ એવા સાર્વજનિક ટ્રસ્ટ તરીકે નોંધણી કરી હોય તો નિર્દિષ્ટ તારીખની તરત જ પહેલા આ અધિનિયમની જોગવાઇઓમાંથી માફી આપવામાં આવી હતી. આમ છતાં પશુ કલ્યાણ માટે કામ કરતા કેટલાક ટ્રસ્ટો જે નિયત સમયમાં નોંધાયેલા ન હોય તેને નિયત કલમ હેઠળ માફી આપવામાં આવતી નથી. આવી સંસ્થાઓ માટે અલગ સાર્વજનિક ટ્રસ્ટની નોંધણી માટેની મુદતમાંથી મુક્તિ માટે આ સુધારા કરાયા છે. તેમણે કહ્યું કે, આ માટે કોઈ જમીન રાજ્ય સરકારે ગૌશાળા કે પાંજરાપોળોને આપવાની નથી પરંતુ જે ગૌશાળાઓએ જમીન ખરીદી હોય અને જમીન ટોચ મર્યાદા નીચે આવી ગઈ હોય તેને માત્ર નિયમિત જ કરવાની છે અને નવી જમીન ખરીદે તો એને મંજૂરી આપવાની છે.