(એજન્સી) બેંગ્લુરૂ, તા.૧૧
શાસક ભાજપ પક્ષને હારનો ભય હોવાથી એમણે ગૌહત્યા વિરોધી બિલ વિધાન પરિષદમાં મૂક્યું ન હતું. જોકે શાસક ભાજપ પરિષદમાં સૌથી મોટો પક્ષ છે પણ વિપક્ષોની સંયુક્ત સંખ્યા એમના કરતા ઘણી વધુ છે. ૭૫ સભ્યોની પરિષદમાં ભાજપના ૩૧ સભ્યો છે જ્યારે કોંગ્રેસના ૨૮, જેડીએસના ૧૪, ૧ અપક્ષ અને ૧ ચેરમેન છે. ખેડૂત સંસ્થાઓએ જેડીએસ ઉપર આક્ષેપો મૂક્યા હતા કે તેઓ કર્ણાટકના જમીન સુધારણા બિલનું સમર્થન કરે છે જે એક છેતરપિંડીનું કૃત્ય છે જેથી જેડીએસ કોરાણે મૂકાઇ ગયો હતો અને જેડીએસ સતત ભાજપાના વિવાદિત ગૌહત્યા બિલનો વિરોધ કરી રહ્યું હતું. વિધાન પરિષદ ગૃહમાં ચેરમેન પ્રતાપચંદ્ર શેટ્ટીએ એજન્ડા વાંચવાની શરૂઆત કરતા શાસક પક્ષને પૂછ્યું હતું કે શું તેઓ વિવાદિત બિલ ગૃહમાં રજૂ કરવા માંગે છે પણ નાયબ મુખ્યમંત્રી લક્ષમણ સવાદીએ કહ્યું કે સંબંધિત મંત્રીની ગેરહાજરીમાં જેઓ પશુપાલન વિભાગના મંત્રી છે અમે બિલ રજૂ કરવા નથી માંગતા અને ચેરમેનને વિંનતી કરી હતી કે આ મામલો શુક્રવારે હાથ ધરવામાં આવે. આ સાંભળતા કોંગ્રેસના સભ્યો જેમ કે નેતા વિપક્ષ એસ.આર. પાટીલ, સી.એમ. ઈબ્રાહિમે વાંધો ઉઠાવતા કહ્યું કે જો બિલ રજૂ કરવું હોય તો આજે જ રજૂ કરો અથવા ગૃહને અચોક્કસ મુદ્દત માટે મોકૂફ રાખવામાં આવે. એમણે કહ્યું કે અમે ચૂંટણીઓના મધ્યમાં છીએ. ગ્રામપંચાયતની ચૂંટણીઓ મહત્વપૂર્ણ છે જેથી કાઉન્સિલના કામકાજને લંબાવી શકાય નહિ. કાઉન્સિલમાંથી બહાર આવ્યા પછી નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, એમના પક્ષની યોજના પહેલા ચેરમેન સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવાની હતી અને એ પછી બિલ રજૂ કરવાની હતી. પણ જયારે એ નહિ થઇ શક્યું ત્યારે અમે બિલ નહિ રજૂ કરવા નિર્ણય કર્યો. બુધવારથી અમે એજન્ડામાં ચેરમેન સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માંગણી કરી રહ્યા છીએ પણ એ થઇ શક્યું નથી. દરમિયાનમાં ભાજપના એક મંત્રીએ જણાવ્યું કે, અમે અઠવાડિયામાં આ બિલ વટહુકમ તરીકે લાવવા વિચારી રહ્યા છીએ. અમે વિપક્ષોને કોઈ તક આપવા નથી માંગતા કે તેઓ આ બિલને જોઈન્ટ સિલેક્ટ કમિટી તરફ મોકલવા માંગણી કરે જે અમને આ બિલ કોઈ પણ સ્વરૂપે લાગુ કરતા અટકાવશે એ માટે અમે બિલ રજૂ કર્યુંન હતું. એમણે કહ્યું કે, અમે એક બે દિવસોમાં આ અંગે વટહુકમ બહાર પાડીશું. આ પહેલા કાઉન્સિલે બી.બી.એમ.પી. બિલ પસાર કર્યું હતું જે વોર્ડોની સંખ્યા ૧૯૩માંથી ૨૪૩ સુધી વધારવાના ઉદ્દેશથી પસાર કરાયું હતું.