(એજન્સી) ગુવાહાટી,તા.૯
ગૌહાટી હાઈકોર્ટે આસામ સરકારને જેલ વિસ્તારની બહાર અટકાયતી કેન્દ્રોની સ્થાપના માટે એમણે લીધેલ પગલાંઓનો રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું. આસામમાં હાલમાં ગેરકાયદેસર વિદેશીઓને રાખવા માટે જેલની અંદરના વિસ્તારમાં ૬ અટકાયતી કેન્દ્રો છે. રાજ્ય સરકાર દ્વારા જણાવ્યા મુજબ આ ૬ કેન્દ્રોમાં ૪૨૫ અટકાયતીઓને રાખવાની ક્ષમતા છે. એપ્રિલ મહિનામાં સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કોરોના મહામારીને ધ્યાનમાં રાખી ભીડ ઘટાડવાના ઉદ્દેશ્યથી જુદા જુદા કેન્દ્રોમાંથી ૩૫૦ વ્યક્તિઓને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા હતા. હાઇકોર્ટના જજ એ.એમ.બરુઆએ ૭મી ઓક્ટોબરે પસાર કરાયેલ આદેશમાં જણાવ્યું હતું કે જો સરકાર પાસે ૨૦૧૨ અને ૨૦૧૪માં કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશોમાં જણાવ્યા મુજબના ધારાધોરણો મુજબ અટકાયતી કેન્દ્રોની સગવડ નહિ હોય તો એમણે આ ઉદ્દેશ્ય માટે ખાનગી સ્થળો મેળવવા જોઈએ. ફક્ત ગેરકાયદેસર વિદેશીઓ માટે ગુવાહાટીથી ૧૫૦ કિ.મી. દૂર ગોલપારા જિલ્લામાં માતિયામાં અટકાયતી કેન્દ્ર નિર્માણાધીન છે જે કેન્દ્ર સરકારના દિશા નિર્દેશો મુજબ બનાવવામાં આવી રહ્યું છે. આસામમાં વિદેશીઓને અટકાયતી કેન્દ્રોમાં રાખવા અંગે હાઇકોર્ટમાં સુનાવણી થઇ હતી. અરજી દાખલ કરનારાઓમાં વકીલો, એક્ટિવિસ્ટોની ટીમ નીલીમા રીસર્ચ તરફે અરજીની રજૂઆત વકીલ નિલય દત્તાએ કરી હતી. આસામમાં એનઆરસીના અમલ પછી શું પરિસ્થિતિ ઊભી થવાની છે એ અંગે થઇ રહેલ ચર્ચાઓ પછી આ અરજી દાખલ કરાઈ હતી. હાલમાં ગેરકાયદેસર જાહેર કરાયેલ વિદેશીઓ જેલની અંદર બનાવાયેલ અટકાયતી કેન્દ્રોમાં અમાનવીય રીતે રહી રહ્યા છે. જોકે આ લોકોને અટકાયતી કેન્દ્રમાં જ રહેવું પડશે, પણ આ આદેશથી એમને નવા સ્થળે થોડી સારી સ્થિતિમાં રહેવાની સગવડો મળશે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ એમણે પાયાની સુવિધાઓ જેમ કે વીજળી, પાણી, સ્વચ્છતા મળી શકશે. કેન્દ્ર સરકારના આદેશના સંદર્ભે હાઈકોર્ટે જણાવ્યું હતું કે અટકાયતી કેન્દ્રો જેલની બહાર હોવા જોઈએ.