(અલતાફ મુગલ) કોડીનાર,તા.પ
કોડીનાર તાલુકાનાં સ્માર્ટ વિલેજ અને લોકોની સુખાકારી માટે વિવિધ યોજનાનો સચોટ અમલ કરનાર ૧૦૦ ટકા શૌચાલય ફ્રી વાઈફાઈ ગામ સંપૂર્ણ સીસીટીવી કેમેરાથી સજજ ડિઝિટલ ગામ વિઠ્ઠલપુર ગામ સમગ્ર ગુજરાતમાં આદર્શ ગામ તરીકે ઉભરી આવ્યું છે, ત્યારે આજે પર્યાવરણ દિવસ નિમિત્તે વિઠ્ઠલપુર ગ્રામ પંચાયત અને સરપંચ પ્રતાપભાઈ મહિડા દ્વારા ગ્રામજનો માટે પર્યાવરણ સુરક્ષા યોજના અને સોશિયલ મીડિયાનાં મિત્રો માટે પર્યાવરણ વૃક્ષ મિત્ર યોજના શરૂ કરી ખરા અર્થમાં અનોખી રીતે પર્યાવરણ દિવસની ઉજવણી કરી દરેક ગ્રામ પંચાયત માટે આદર્શ અને ઉદાહરણ રૂપ દાખલા બેસાડયો છે.
વિઠ્ઠલપુર ગ્રામ પંચાયતના સરપંચ પ્રતાપભાઈ મહિડા દ્વારા આજે પર્યાવરણ દિવસ નિમિત્તે સોશિયલ મીડિયા સાથે જોડાયેલા તેમના મિત્રો અને તેમનાથી દુર રહેતા મિત્રોના નામે વૃક્ષો વાવ્યા હતા આ યોજનામાં જે મિત્રના નામે વૃક્ષ હોય તેણે રૂા. પ૦૦ ફી ચુકવવાની તેમજ તે વૃક્ષને મિત્રનું નામ આપી મિત્રના નામનું બોર્ડ વૃક્ષ ઉપર લગાડાયા હતા આ યોજનામાં ઓસ્ટ્રેલિયા, અમદાવાદ સહિત ગુજરાતભરના પ૬ મિત્રોના નામે વૃક્ષોની વાવણી કરવામાં આવી હતી અને તમામ વૃક્ષોને સરપંચ પોતે પાણી પીવડાવીને મોટા કરશે. તેમજ આ દરેક વૃક્ષની પંચાયત મિલકત રજિસ્ટરમાં નોંધણી કરવામાં આવી હોય આ મિલકત પંચાયતની રહેશે જેથી તેને કોઈ કાપી શકશે નહીં.
તેમજ વિઠ્ઠલપુર ગ્રામજનો માટે પર્યાવરણ સુરક્ષા યોજના શરૂ કરાઈ છે. જેમાં પોતાના ઘર કે પ્લોટની આજુબાજુમાં વૃક્ષ વાવી તેનું જતન કરી વૃક્ષની ઉચાઈ ૧૦ ફુટ થાય ત્યારે વેરામાં રૂા.ર૦ની મુકિત આપવાની યોજના પણ શરૂ કરાઈ છે.
ફકત પર્યાવરણ બચાવવા અને ગામને હરિયાળુ બનાવવાના આ સુંદર અને સ્વચ્છ અને દેશમાં અનોખુ ગામ બનાવવાના હેતુ સાથે શરૂ કરાયેલી આ યોજનામાં ગામના મુખ્ય માર્ગો પર ફુટપાથ પર મિત્રના નામ સાથે વાવેલા વૃક્ષમાં રાહદારીઓ મિત્રના દર્શન કરી શકશે. આમ એક વખત ફરી વિઠ્ઠલપુર ગ્રામ પંચાયતે અનોખી રીતે પર્યાવરણ દિવસની ઉજવણી કરી સમગ્રને નવી રાહ ચિંધી છે.
વિઠ્ઠલપુર ગામે ‘ગુજરાત ટુડે’ નામનો પણ વૃક્ષ
કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામે આજે પર્યાવરણ દિવસ નિમિત્તે શરૂ કરાયેલી પંચાયત વૃક્ષ મિત્ર યોજના હેઠળ ગામના સરપંચ પ્રતાપભાઈ મહિડા દ્વારા અમદાવાદના દૈનિક ગુજરાત ટુડેના નામનું પણ વૃક્ષ વાવવામાં આવ્યું હતું. પ્રતાપભાઈ મહિડા ‘ગુજરાત ટુડે’ મીડિયાને મિત્ર સમાન સરખાવી મિત્રરૂપી ગુજરાત ટુડેનું વૃક્ષ વાવ્યું હતું.