માંગરોળ,તા.૮
માંગરોળ તાલુકામાં કુલ ૬૮ જેટલી ગ્રામપંચાયતો કાર્યરત છે. આ ગ્રામ પંચાયતોમાંથી હાલમાં મોટાભાગની ગ્રામ પંચાયતોમાં જમીન રેકર્ડના ૭/૧ર, ૮-અ અને પત્રક-છની સ્ટેશનરીનો જથ્થો પૂર્ણ થઈ જવા પામ્યો છે.અત્રેએ ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યની ગ્રામ પંચાયતોને ઈ-ગ્રામપંચાયત સાથે જોડી દેવામાં આવી છે. જેથી ઉપરોક્ત સ્ટેશનરીઓનો જથ્થો સંબંધિત મામલતદાર કચેરીઓમાં કાર્યરત ઈ-ધરા કેન્દ્ર ખાતેથી મેળવવાનો રહે છે અને સરકારે નિયત કરેલ ફી ચૂકવી ખેડૂત ખાતેદારોએ પોતાની જમીનની નકલો જે તે ગ્રામપંચાયત ખાતેથી કોમ્પ્યુટરરાઈઝ નકલ મેળવવાની હોય છે. પરંતુ માંગરોળ તાલુકાની મોટાભાગની ગ્રામપંચાયતોમાં છેલ્લા બે માસથી આ સ્ટેશનરીઓ પૂર્ણ થઈ જવા પામી છે. જેથી ખેડૂત ખાતેદારો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ગ્રામ પંચાયતો દ્વારા માંગરોળ મામલતદાર કચેરી ખાતે કાર્યરત ઈ-ધરા વિભાગને લેખિતમાં સ્ટેશનરીની માંગણી કરી છે. છતા આજદિન સુધી ગ્રામ પંચાયતોને આ સ્ટેશનરીઓનો જથ્થો આપવામાં આવ્યો છે.આ પ્રશ્ને ઈ-ધરા વિભાગનો સંપર્ક કરતા જાણવા મળ્યું છે કે અમોએ રાજકોટ ખાતે કાર્યરત સરકારી પ્રેસમાં જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી સ્ટેશનરીના જથ્થાની માંગણી કરી છે અને ટૂંક સમયમાંજ આ સ્ટેશનરીનો જથ્થો આવી જશે. ત્યારબાદ માંગરોળ તાલુકાની ગ્રામ પંચાયતોને એમની માંગણી મુજબ સ્ટેશનરીનો જથ્થો મોકલી આપવામાં આવશે.