અમદાવાદ,તા.ર૯
નવસારી કૃષિ યુનિવર્સિટીની પેટા શાખા વઘઇ ખાતે એ.સી.બી.એમ (એગ્રીકલ્ચર, કો-ઓપરેશન, બેન્કિંગ એન્ડ માર્કેટીંગ) નામનો ડિપ્લોમાં અભ્યાસક્રમ કાર્યરત હતો. વિદ્યાર્થીઓ દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવતી હતી કે એ.સી.બી.એમ ડિપ્લોમાંના વિદ્યાર્થીઓને એગ્રીકલ્ચર ડિપ્લોમાં સમકક્ષ તમામ ભરતીઓમાં સ્થાન આપવામાં આવે, રજૂઆતો બાદ પણ વિદ્યાર્થીઓની માંગણીને નજરઅંદાજ કરવામાં આવી રહી હતી.
ત્યારબાદ યુવા અગ્રણી તેમજ આર.ટી.આઇ એક્ટિવિસ્ટ અહીર ભાવેશભાઈ સોલંકી દ્વારા છેલ્લા ચાર વર્ષથી કુશળ નેતૃત્વ તેમજ સચોટ તેમજ પદ્ધતિસર યોગ્ય રજૂઆતો કરતા કૃષિ સહકાર વિભાગે તમામ કૃષિ યુનિવર્સિટીઓના અભિપ્રાયો મંગાવ્યા તેમજ તમામ અભિપ્રાયોને ધ્યાનમાં લઈ અંતે કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યની તમામ કૃષિ યુનિવર્સિટીઓ, પંચાયત ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ તેમજ અન્ય સબંધિત વિભાગોને આદેશ કર્યો હતો કે, એ.સી.બી.એમ સહિતના કૃષિ ડિપ્લોમા અભ્યાસક્રમોને ગ્રામસેવક તેમજ એગ્રી. આસિસ્ટન્ટ જેવી ભરતીઓમાં સમાવવા માટે પગલાં ભરવામાં આવે.
સહકાર વિભાગના આદેશ બાદ અધ્યક્ષ-વ-મંત્રીશ્રી (કૃષિ)ના અધ્યક્ષ સ્થાને રાજ્ય કૃષિ યુનિવર્સિટીની ચૌદમી બેઠક યોજાય, જેમાં કૃષિ યુનિવર્સિટીઓમાં ડીપ્લોમાના આધારે થતી ભરતી માટે એ.સી.બી.એમ ડિપ્લોમાં સહિતના ડિપ્લોમા અભ્યાસક્રમોને સમાન ગણીને તે અંગે સ્ટેચ્યુમાં જરૂરી સુધારા કરવાનું ઠરાવવામાં આવ્યું તેમજ સ્ટેચ્યુટ સુધારા અંગે તેઓના નિયામક મંડળમાં મંજુર કરાવીને રાજ્યપાલશ્રીને દરખાસ્ત કરવાનું જણાવાતા કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા એ.સી.બી.એમ સહિતના ડિપ્લોમાં અભ્યાસક્રમોને સમાન ગણી એગ્રી. આસિસ્ટન્ટ સહિતની ભરતીઓમાં સમાવવા માટે સ્ટેચ્યુટમાં સુધારા કરવા નિયામક મંડળ મહામહિમ રાજયપાલને દરખાસ્ત કરવા મજૂરી આપી હતી.
ત્યારબાદ હવે યુવા અગ્રણીને વધુ એક સફળતા મળી છે અને લાંબી લડત બાદ પંચાયત ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ દ્વારા પણ ‘ગ્રામસેવક’ની ભરતીના નિયમો બનાવવામાં આવ્યા છે જેમાં એ.સી.બી.એમ (એગ્રીકલ્ચર, કો-ઓપરેશન, બેન્કિંગ એન્ડ માર્કેટિંગ) ડિપ્લોમાને સ્થાન આપવામાં આવ્યું છે, ભરતી નિયમોમાં સમાવેશ થતા અનેક વિદ્યાર્થીઓને રોજગારી મળશે.