(એજન્સી) નવી દિલ્હી, તા.૧૫
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૩ મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરાયાના એક દિવસ બાદ કેન્દ્ર સરકારે કઠોર ગાઇડલાઇન્સ જારી કરી હતી જેમાં ગ્રામ્ય વિસ્તારના કેટલાક ઉદ્યોગો, ઇ-કોમર્સ, આઇટી અને ખેતીનું કામ ૨૦ એપ્રિલ પછી કરવાની પરવાનગી અપાઇ છે. સરકારે જણાવ્યું કે, કોરોના વાયરસના પ્રસારની ગતિ ધીમી કરવા માટે કરાયેલા લોકડાઉનમાં લાખો લોકોને પડેલી મુશ્કેલીઓને ઓછી કરવા માટે ગ્રામ્ય વિસ્તારોમાં રોડના કામ તથા ઇમારતોના બાંધકામ તથા આઇટી હાર્ડવેરના કામને મંજૂરી આપશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ગાઇડલાઇન્સમાં કહેવાયું છે કે, સુરક્ષા તથા સોશિયલ ડિસ્ટન્સિંગના લાગુ કરાયેલા આકરા નિયમોની ખાતરી કરવાની જવાબદારી રાજ્યોની રહેશે. આ છૂટછાટ એવા વિસ્તારોમાં આપવામાં આવી નથી જ્યાં કોરોના વાયરસના કેસો ઝડપથી વધ્યા છે અને હોટસ્પોટ એરિયા જાહેર કરાયા છે. ૨૧ દિવસના લોકડાઉન છતાં ભારતમાં કોરોના વાયરસના કેસો ૧૦ હજારને પાર કરી ગયા છે ત્યારે પીએમ મોદીએ આ લોકડાઉન સમયગાળામાં વધુ ૧૯ દિવસનો વધારો કરી દીધો છે.
આ અંગે ૧૦ મહત્ત્વના મુદ્દા
૧. કૃષિ તથા તેને લગતી પ્રવૃત્તિ ચાલુ કરાશે જેથી રોજમદારો અને અન્યો માટે કામ ચાલુ થવાની તકો ઉપલબ્ધ થશે. ગ્રામ્ય વિસ્તારોમાં ઉદ્યોગોને સંચાલિત કરવાની પરવાનગી અપાઇ છે પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગના આકરા નિયમો લાગુ રહેશે.
૨. આંતરરાજ્ય માલ-સામાન, જરૂરી અને બિનજરૂરી વસ્તુઓના પરિવહનને ૨૦મી એપ્રિલ પછી પરવાનગી મળશે. ૨૦મી એપ્રિલ પછી હાઇવેના ઢાબા, ટ્રક રિપેરની દુકાનો અને તતા સરકારી કામકાજ માટેના કોલ સેન્ટરો ૨૦મી એપ્રિલ પછી ચાલુ કરાશે. જેથી ફાર્માસ્યુટિકલ અને મેડીકલ સાધનોનું ઉત્પાદન થઇ શકે.
૩. ગ્રામ્ય અર્થતંત્ર, ઉદ્યોગોને શરૂ કરવા પ્રોત્સાહન પુરો પાડવા જેમાં ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ, રોડ બાંધકામ, સિંચાઇ યોજનાઓ, ગ્રામ્ય વિસ્તારોમાં બાંધકામ અને ઉદ્યોગો, મનરેગા હેઠળના કામોને,ખેડુતો અને કૃષિ મજુરોને હાર્વેસ્ટિંગ સાથે જોડાયેલા કામ કરવાની છૂટ રહેશે. કૃષિ સાધનોની દુકાનો, તેમના સમારકામ અને સ્પેયર પાર્ટસની દુકાનો ખુલી રહેનાર છે.
૪. ઉત્પાદનો અને અન્ય ઔદ્યોગિક એકમો કે જેઓ સેઝ, ઇઓયુએસ, ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ અને ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશિપ હેઠળ આવે છે તેમને પરવાનગી અપાશે.
૫. કોલ, મિનરલ અને ઓઇલ ઉત્પાદનને મંજૂરી અપાશે.
૬. ઔદ્યોગિક ક્ષેત્રને પ્રવાહિતા અને ક્રેડિટ સપોર્ટ આપવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, બેંકો, એટીએમ, કેપિટલ અને ડેબ્ટ માર્કેટ જેઓ સેબી દ્વારા નોંધાયેલા હશે તેઓ અને ઇન્શ્યોરન્સ કંપનીઓનું સંચાલન પણ ચાલુ રહેશે.
૭. દૂધ, દૂધની બનાવટો, પોલ્ટ્રી અને ખેતના પશુઓ તથા ચા, કોફી અને રબર વાવેતર ચાલુ રહેશે.
૮. સરકારે કહ્યું કે, ડિજિટલ ઇકોનોમી સેવા ક્ષેત્રો અને રાષ્ટ્રીય વિકાસમાં જટિલ છે તેથી ઇકોમર્સ, આઇટી અને આઇટી સંબંધિત સેવાઓ, ડેટા અને સરકારી કામ માટેના કોલ સેન્ટરની પ્રવૃત્તિ અને ઓનલાઇન શિક્ષણ તથા ડિસ્ટન્સ લર્નિંગ તમામને પરવાનગી અપાશે.
૯. કેન્દ્ર તથા રાજ્ય સરકારોની મહત્ત્વની ઓફિસો તથા કોર્પોરેશનોની ઓફિસો જરૂરી કામ મુજબ ચાલુ રખાશે.
૧૦. તમામ એર, ટ્રેન, રોડ ટ્રાવેલ, શિક્ષણ સંસ્થાનો, બિનજરૂરી ઉદ્યોગો અને કોમર્શિયલ પ્રવૃત્તિઓ, હોટેલો, સિનેમા હોલ, શોપિંગ કોમ્પલેક્સ, થિયેટર્સ હજુ પણ બંધ રહેશે. સામાજિક, રાજકીય અને અન્ય કાર્યક્રમો, ધાર્મિક ધામો અને મેળાવડાને પણ અત્યારે પરવાનગી અપાશે નહીં.

ગાઇડલાઇનમાં શું કરવું અને શું ન કરવું

• લોકડાઉનમાં કામ કરનારનો વીમો ફરજિયાત
• ક્વોરન્ટાઈનમાં નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ પર આઈપીસીની કલમ ૧૮૮ હેઠળ કાર્યવાહી
• કોઈ ઈમરજન્સીમાં ઘરેથી નીકળવુ પડે તો ફોર વ્હીલરમાં ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિ બેસી શકશે.
• ટુ વ્હીલર પર એક જ વ્યક્તિ બેસી શકશે.
• ખેતી માટેના ઉપકરણો અને તેના સમારકામ માટેની દુકાનો ખુલ્લી રહેશે. બિયારણ અને જંતુનાશક દવાઓનું વેચાણ થઈ શકશે. કાપણી માટેની મશીનો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મોકલી શકાશે.
• ગ્રામીણ વિસ્તારોમાં ચાલતા ઉદ્યોગોને છૂટ અપાઈ છે. મનરેગા હેઠળ મજૂરો કામ કરી શકશે પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી છે.
• ઓઈલ અને ગેસ સેક્ટરના ઓપરેશન ચાલુ રહેશે.
• હોસ્પિટલ, નર્સિંગ હોમ, ડિસ્પેન્સરી, દવાની દુકાનો, મેડિકલ લેબ ખુલ્લા રહેશે. બેંક એટીએમ કાર્યરત રહેશે. એલપીજી અને પેટ્રોલ ડીઝલ સપ્લાય ચાલુ રહેશે.
• જીવન જરૂરી વસ્તુઓનુ ટ્રાન્સપોર્ટેશન ચાલુ રહેશે. એક ટ્રકમાં બે ડ્રાઈવર અને એક હેલ્પર બેસી શકશે. હાઈવે પર ઢાબા ખુલ્લા રાખી શકાશે. ટ્રકના સમારકામ માટેની દુકાનો ખુલ્લી રહેશે.
• અનાજ કરિયાણા, ફળ, શાકભાજી, માછલી, પોલ્ટ્રી, મિલ્ક બૂથ વગેરે દુકાનો ખુલ્લી રાખી શકાશે.
• સરકારી ઓફિસો બંધ રહેશે. સિવાય કે ડિફેન્સ, પોલીસ, ટ્રેઝરી, હોમ ગાર્ડ, સિવિલ ડિફેન્સ, ફાયર બ્રિગેડ, વીજળી, પાણી સપ્લાય સેવાઓ
• આઈટી કંપનીઓ ૫૦ ટકા વર્કફોર્સ સાથે જોખમ વગરના વિસ્તારમાં કામ કરી શકશે. ઈ-કોમર્સ કંપનીઓ પરવાનગી લઈને વેપાર કરી શકશે. સિક્યોરિટી સર્વિસને પણ કાર્યરત રાખી શકાશે.

૨૦ એપ્રિલથી શોપિંગ વેબસાઇટ્‌સ ધંધામાં પરત ફરશે

કોરોના વાયરસના વધતા ખતરાને જોઇને કેન્દ્ર સરકારે મંગળવારે ૩ મે સુધી લોકડાઉન વધારી દીધું છે. આને લઇને બુધવારે નવી ગાઇડલાઇન્સ જારી કરાઇ હતી. એવું કહેવાય છે કે, આ લોકડાઉનમાં ૨૦મી એપ્રિલથી ગ્રાહકો ઇકોમર્સ પ્લેટફોર્મ જેવા કે એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા સામાન ખરીદવાની એપ્લીકેશનનો ઉપયોગ કરીને સામાન મગાવી શકશે. નવી ગાઇડલાઇન્સ અનુસાર કેન્દ્ર અને રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા પરવાનગી બાદ તમામ ગતિવિધિઓ ૨૦મી એપ્રિલથી શરૂ થઇ શકશે. નવા દિશા-નિર્દેશો અનુસાર સમગ્ર દેશમાં સીમાંકિત નિયંત્રણ ક્ષેત્ર, રેડ ઝોન અને હોટસ્પોટને છોડીને તમામ સ્થળો પર માલ લાવવા અને લઇ જવાનીપરવાનગી આપવામાં આવશે. આ અંતર્ગત માલ-પાર્સલના પરિવહન માટે રેલવે સંચાલન, માલવાહક અવર જવર માટે એરપોર્ટ અને કાર્ગો માટે લેન્ડ પોર્ટ પર સંચાલન ચાલુ રહેશે. આ સાથે જ ડિલિવરી માટે ટ્રકો તથા ઇ-કોમર્સ વાહનોની અવર-જવર ચાલુ કરાશે.

‘મુશ્કેલીઓ ઘટાડવા’ ૨૦મી એપ્રિલથી લોકડાઉન હેઠળ કૃષિ, મેન્યુફેક્ચરિંગ અને બાંધકામ કરવા દેવાશે

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૫
લોકોની તકલીફો અને મુશ્કેલીઓ ઘટાડવા માટે વધુ રાહતો સાથે દેશવ્યાપી લોકડાઉન માટે કેન્દ્ર સરકાર દ્વારા બુધવારે નવેસરથી ગાઇડલાન્સ જારી કરવામાં આવતા ૨૦મી એપ્રિલ બાદ કૃષિ, ઇ-કોમર્સ, મેન્યુફેક્ચરિંગ અને આઇટી સેવાઓ કરવાની મંજૂરી આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકડાઉન ૩જી મે સુધી લંબાવવામાં આવ્યાના એક દિવસ બાદ ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી ગાઇડલાઇન્સમાં અર્થતંત્રને પુનઃધબકતું કરવા માટે મનરેગા હેઠળ ગ્રામીણ કાર્યો અને બાંધકામની પ્રવૃત્તિઓ પૅણ કરવા દેવામાં આવશે.
૧. ગાઇડલાઇન્સનો ઉદ્દેશ ગ્રામીણ અને કૃષિ વિકાસ તેમ જ નોકરીઓના સર્જનના દ્રષ્ટિકોણથી મહત્વના છે એવા અર્થતંત્રના ક્ષેત્રો શરૂ કરવાનો છે. જ્યારે સરકારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં કોવિડ-૧૯ને ફેલાતા અટકાવવા માટે સુરક્ષા સર્વોપરિ છે એવા વિસ્તારોમાં કડક શિષ્ટાચાર જાળવી રાખવાનો છે.
૨. સરકારે જણાવ્યું કે જાહેર કરવામાં આવેલા બજારોમાં કૃષિ પેદાશોની ખરીદી અને કૃષિ માર્કેટિંગ સહિત કૃષિની બધી કામગીરી કરવાની પરવાનગી આપવામાં આવી છે. દૂધ, દૂધની પેદાશો, પોલ્ટ્રી અને ચા,કોફી તેમ જ રબ્બર પ્લાન્ટેશન શરૂ કરાશે.
૩. દેશના જીડીપીમાં ૧૭ ટકાનો ફાળો આપનાર અને દેશના વર્કફોર્સમાં આશરે ૧૨ ટકાને રોજગાર આપનાર મેન્યુફેક્ચરિંગ એકમોને ભારે રાહત આપવામાં આવી છે. અગાઉ, માત્ર દવા અને ફાર્માસ્યુટિકલ્સ તેમ જ ફૂડ પ્રોસેસિંગ યુનિટ્‌સ જ ચાલુ કરવાની પરવાનગી આપવામાં આવી હતી પરંતુ હવે ગ્રામીણ વિસ્તારોમાં આવેલ ઉદ્યોગો ખાસ આર્થિક ઝોન્સ, નિકાસ લક્ષી એકમો અને ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્‌સ અને ઔદ્યોગિક ટાઉનશીપને પણ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે.
૪. ઓઇલ અને ગેસ સંશોધન/ રિફાઇનરીસ સાથે આઇટી હાર્ડવેરનું ઉત્પાદન, કોલસા, શણ, ઓઇલ અને પેકેજિંગની સામગ્રીના ઉત્પાદન એકમો પણ કામગીરી પુનઃ શરૂ કરી શકશે.
૫. સરકારે ઇલેક્ટ્રિશિયનો, પ્લમ્બર્સ, આઇટી રિપેરર્સ, મોટર મેકેનિક્સ દ્વારા આપવામાં આવતી સેવાઓને પણ મંજૂરી આપી દીધી છે. ગ્રામીણ ભારતમાં રોડ્‌સ, સિંચાઇ પ્રોજેક્ટ્‌સ અને બિલ્ડિંગ્સના બાંધકામની પણ મંજૂરી આપવામાં આવી છે. જોકે, આ કામગીરીઓમાં કામદારો કે કર્મચારીઓએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે.
૬. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો વર્તમાન લોકડાઉન ગાઇડલાન્સનું કડક રીતે પાલન કરીને આ પ્રવૃત્તિઓ કરશે.
૭. સરકારે ફેકટરીઓ અને કામના સ્થળોએ કામગીરી પુનઃશરૂ કરવા માટે જારી કરેલા પગલાંઓ ભરવા પડશે. આદેશમાં જણાવવામાં આવ્યા મુજબ લિફ્ટ્‌સ, સીડીઓ, વોશરૂમ્સ, કામના સ્થળોએ ફેકટરીઓએ સેનિટાઇઝ કરવી પડશે.
૮. ગૃહ મંત્રાલયે એવું પણ જણાવ્યું છે કે બહારથી આવતા કામદારો કે કર્મચારીઓ માટે ખાસ પરિવહનની વ્યવસ્થા પણ કરવી પડશે અને વાહનો પણ સ્વચ્છ રાખવા કે સેનિટાઇઝ કરવા પડશે. કામદારો માટે મેડિકલ ઇન્શ્યોરન્સ પણ ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે.
૯. આદેશમાં જણાવવામાં આવ્યું છે કે કામના સ્થળોએ શિફ્ટ વચ્ચે એક કલાકનું અંતર રાખવું પડશે અને સોશિયલ ડિસ્ટન્સિંગની ખાતરી કરવા માટે સ્ટોફનો લંચ બ્રેક અલગ રાખવા પડશે.
૧૦. સરકારે ગુટખા અને તમાકુ પર પ્રતિબંધનો પણ પુનરોચ્ચાર કર્યો છે અને સંસ્થાઓને કામગીરી શરૂ કરતા પહેલા કોવિડ-૧૯ની સારવાર માટે નજીકની હોસ્પિટલ ઓળખી પાડવાનો પણ આદેશ આપ્યો છે. જ્યારે સરકારે એવું પણ જણાવ્યું છે કે વિમાન, ટ્રેનોમાં પ્રવાસ અને રોડ ટ્રાવેલ, શૈક્ષણિક કામગીરીઓ અને સંસ્થાઓની ટ્રેનિંગ, હોસ્પિટાલિટી સર્વિસિસ, થિયેટર અને શોપિંગ કોમ્પલેક્સ બંધ રહેશે. બધી સામાજિક, રાજકીય અને અન્ય ઇવેન્ટ્‌સ અને લોકડાઉન ચાલુ છે ત્યાં સુધી બધા ધાર્મિક સ્થળો બંધ રહેશે.

નવી લોકડાઉન ગાઇડલાઇન્સ મુજબ મનરેગા યોજનાઓ હેઠળ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કામ શરૂ કરાશે

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૫
ભારતીય અર્થતંત્રને પુનઃબેઠું કરવાના એક પ્રયાસરૂપે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વિભિન્ન મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પલોયમેન્ટ ગેરન્ટી એક્ટ (મનરેગા) યોજનાઓ હેઠળના પ્રોજેક્ટ્‌સ પુનઃશરૂ કરવાની મંજૂરી આપી છે. જોકે,લોકોએ મોઢા પર માસ્ક પહેરવા પડશે અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પણ પાલન કરવું પડશે. મનરેગા યોજનાઓ હેઠળ કામ પુનઃશરૂ કરવાની મંજૂરી આપતી ગૃહ મંત્રાલયની લેટેસ્ટ ગાઇડલાઇન્સ લાખો રોજમદારોને ઘણીબધી આર્થિક રાહતો આપી શકે છે. મનરેગા રોજમદારો માટે આવકની ગેરન્ટી આપતી આજીવિકાનો એકમાત્ર સ્ત્રોત છે. ગૃહ મંત્રાલયે સ્પષ્ટપણે જણાવ્યું છે કે મનરેગા હેઠળ કામ પુનઃ શરૂ કરતી વખતે સિંચાઇ અને પાણીની જાળવણીના કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવશે. બુધવારે જારી કરવામાં આવેલી ગૃહ મંત્રાલયની ગાઇડલાઇન્સમાં જણાવવામાં આવ્યું છે કે સિંચાઇ અને જળ સંરક્ષણ કે જાળવણીના ક્ષેત્રોમાં અન્ય કેન્દ્રીય તેમ જ રાજ્ય સેક્ટરની યોજનાઓના અમલીકરણની મંજૂરી આપી શકાય છે. દેશના ગ્રામીણ વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિઓ પુનઃશરૂ કરવાના એક પ્રયાસરૂપે આ યોજના હેઠળ બાકી વેતનની ચુકવણી કરવા માટે કેન્દ્ર સરકારે ગયા મહિને૪,૪૩૧ કરોડ રૂપિયા જારી કર્યા હતા અને કેન્દ્ર સરકારે એવી પણ ખાતરી આપી હતી કે ૧૦મી એપ્રિલ સુધીમાં બાકી વેતનના આશરે ૧૧,૪૯૯ કરોડ રૂપિયા પણ ચુકવી દેવામાં આવશે.