બાડિયા, તા.૪
અબડાસા તાલુકાના બાડિયા ગામના રહેતા મેઘરાજસિંહ ગંભીરસિંહ જાડેજાએ કરછ બોર્ડર રેન્જના આઇ.જી.ને સંબોધિત કરતી અરજીમા જણાવ્યું છે કે, બાડિયા ગામમાં છેલ્લા દોઢ મહિના જેટલા સમયથી અદાણી ગ્રીન એનર્જી (એમ.પી.) કંપની દ્વારા પવનચક્કીઓ ઊભી કરવાનું કામ કરાઇ રહ્યું છે. જે અંગે તેઓએ તા.૩/૩/૨૦ના બાડિયા તલાટી પાસેથી ઉપરોક્ત કપનીને પવનચક્કીઓ ઊભી કરવા બાબતે બાડિયા ગ્રામ પંચાયત દ્વારા કોઈ પરવાનગી કે સહમતી અપાઇ છે કે, કેમ ? એ બાબતની માહિતી આપવા લેખિતમાં અરજી આપેલ હતી, જેના અનુસંધાને તલાટી દ્વારા તેઓને પંચાયતના લેટરપેડ પર તલાટીના સહી સિક્કા સાથે લેખિત જવાબ આપવામાં આવેલ છે, જેમાં બાડિયા પંચાયત દ્વારા અદાણી ગ્રીન એનર્જી કંપનીને કોઈ પરવાનગી કે એન.ઓ.સી. અપાઇ નથી અને અદાણી કંપની પોતાની રીતે પવનચક્કીઓ ઊભી કરી રહી છે એવું જણાવાયું છે જેથી તેઓની અરજીના જવાબમાં પંચાયત દ્વારા અપાયેલ લેખિત જવાબ મુજબ અદાણી કંપની પોતાની રીતે પવનચક્કીઓ ઊભી કરી રહી હોઈ આ કામ ગેરકાયદેસર ગણાય જૈથી ગ્રામજનોમાં રોષ જોવા મળે છે. આ પવનચક્કીઓને ગ્રામ પંચાયતની પરવાનગી કે સહમતી વગર ઊભી કરવામાં આવે છે. આ બાબતે સંબંધિત કંપનીના અધિકૃત કર્મચારીઓને પૃચ્છા કરતા ઉડાઉ જવાબો આપવામાં આવે છે જેથી ઉપરોકત કામ તાત્કાલિક બંધ કરાવી ન્યાય અપાવવા મેઘરાજસિંહ જાડેજાએ અરજ ગુજારેલ છે.