(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૯
ગુજરાતની ભાજપ સરકાર ગ્રામ્ય વિસ્તારની શાળાઓને બંધ કરીને શિક્ષણનો અધિકાર છીનવી રહી છે. ઓછી સંખ્યાના નામે ૫૨૨૩ જેટલી શાળાઓને તાળાં મારી રહી છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છની ૮૨૮ શાળા પૈકી સુરેન્દ્રનગરની ૫૬ શાળાઓને તાળા લાગી રહ્યા છે ભાજપ સરકાર ગ્રામ્ય વિસ્તારની શાળાઓને બંધ કરીને શિક્ષણનો અધિકાર છીનવી રહી હોવાની વિસ્તૃત વિગતો પત્રકાર પરિષદમાં રજુ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે,રાજ્યમાં ટેટ-ટાટ, એલઆરડી, ગ્રામ સેવક, તલાટી, બિનસચિવાલય કલાર્ક, આઈ.ટી.આઈ. ઈન્સ્ટ્રક્ટર સહિતની ભરતીમાં મોટા પાયે ગેરરીતિ, પેપર ફુટવા, લાખો રૂપિયાની લેવડદેવડ ભાજપ સરકારની ઓળખ બની ગઈ છે. ભાજપ સરકારે વિવિધ ભરતી પરીક્ષાની ફોર્મ ફી પેટે બેરોજગાર યુવાનો પાસેથી ૧૦૦ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ વસૂલી લીધી છે. ગ્રામ સેવક વિનાનુ ગામ, શિક્ષક વિનાની શાળા, ડૉક્ટર વિનાનુ દવાખાનુ ભાજપ સરકારની નીતિ રહી છે. આપણા પરિવારની દિકરી ઘરની બહાર જાય તો સાંજે સાજી-સુરક્ષીત ઘરે પાછી આવશે કે કેમ ? ગુંડા રાજ ચારે તરફ ચાલી રહ્યું છે. ગુંડાઓ બેફામ થયા છે. રાજ્યની કથળી ગયેલી કાયદો વ્યવસ્થાની સ્થિતી પર આકરા પ્રહાર કરતા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં લુંટ-૨૪૯૧, ખૂન-૨૦૩૪, ધાડ-૫૫૯, ચોરી-૨૫૭૨૩, બળાત્કાર-૨૭૨૦, અપહરણ-૫૮૯૭, આત્મહત્યા-૧૪૭૦૨, ઘરફોડ ચોરી-૭૬૧૧, રાયોટીંગ-૩૩૦૫, આકસ્મિક મૃત્યુ-૨૯૨૯૮, અપમૃત્યુ-૪૪૦૮૧ અને ખૂનની કોશીષના ૨૧૮૩ બનાવો નોંધાયા છે. ભાજપ સરકારના શાસનમાં બે વર્ષમાં ૧૪,૭૦૨ આત્મહત્યાના બનાવો નોંધાયા એટલે કે દરરોજ ૨૦ નાગરીકોએ જીવન ટુંકાવવાની ફરજ પડી. ખૂનના ૨,૦૩૪ બનાવો એટલે કે દરરોજ ૨-૩ ખૂનના બનાવો, બળાત્કારના ૨,૭૨૦ બનાવો એટલે કે દરરોજ ૩-૪ બળાત્કારનો દીકરી- મહિલાઓ ભોગ બની રહી છે. રાજ્ય સરકાર અને પોલીસ આત્મહત્યાના બનાવો ન વધે તે માટે આત્મહત્યાના બનાવોને આકસ્મિક મૃત્યુ કે અપમૃત્યુમાં ખપાવે છે. રાજ્યમાં દરરોજ ૧૨૦ કરતા વધુ નાગરીકો, યુવાન-યુવતીઓ આત્મહત્યા-અકુદરતી રીતે જીવન ટુંકાવવાની ફરજ પડી છે.