જૂનાગઢ,તા.ર૭
જૂનાગઢની ગ્રાહક તકરાર નિવારણ ફોરમ કોર્ટે સેમસંગ કંપનીને ગ્રાહકને મોબાઈલ બદલી નવો આપવા અથવા તેની રકમ વ્યાજ સહિત ચુકવવા આદેશ કરેલ છે. આ કેસની વિગત એવી છે કે, પ્રભાસ પાટણના સોયબભાઈ ભાદરકાએ તા.ર૦/પ/૧૭ના રોજ વેરાવળના રવિ મોબાઈલ ઝોનમાંથી રૂા.૧પ,૯૦૦/- સેમસંગ કંપનીનો મોબાઈલ ખરીદ કરેલ. ત્યારબાદ મોબાઈલમાં પ્રોબ્લમ આવતા ગેરંટી પિરીયડમાં હોવા છતાં સેમસંગ કંપનીની સર્વિસ સેન્ટરે વોરંટીમાં રીપેર નહીં કરી આપતા જૂનાગઢની ગ્રાહક ફોરમ કોર્ટમાં રવિ મોબાઈલ ઝોન વેરાવળ, સેમસંગ સર્વિસ સેન્ટર વેરાવળ તથા સેમસંગ ઈલેક્ટ્રોનિકસ પ્રા.લિ. નવી દિલ્હી સામે કેસ દાખલ કરેલ હતો. તાજેતરમાં આ કેસ ફોરમ કોર્ટમાં ચાલી જતા સામાવાળા મોબાઈલના વિક્રેતા તથા સેમસંગ કંપનીની રજૂઆત તેમજ ફરિયાદ પક્ષની દલીલો સાંભળી ફરિયાદી તરફે દલીલો ગ્રાહય રાખી સામાવાળા મોબાઈલના વિક્રેતા, સર્વિસ સેન્ટર તથા સેમસંગ કંપનીએ ગ્રાહકે ખરીદ કરેલ મોબાઈલ સંયુક્ત રીતે બદલી આપવા અથવા મોબાઈલની પુરેપુરી કિંમત રૂા.૧પ,૯૦૦/- અરજીની તારીખથી ૭ ટકાના વ્યાજ સાથે ચુકવી આપવા તથા માનસિક દુઃખત્રાસ તથા ખર્ચના રૂા.૧પ૦૦/- અલગથી ચુકવી આપવા આદેશ કરેલ છે.