નવી દિલ્હી, તા.૨૪
ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણ તેનો અભિપ્રાય બિન્દાસ્ત રીતે આપી દેવા માટે જાણીતો છે. કોરોના વાયરસને કારણે લાગેલા લોકડાઉનમાં પણ તે પોતાના વિવિધ પ્રકારના નિવેદન આપતો રહેતો હતો. તાજેતરમાં જ તેણે એક ટીવી શોમાં રોનક કપૂર સાથે વાતચીત કરી હતી જેમાં તેણે ઘણી રસપ્રદ વાતો જાહેર કરી હતી. આ દરમિયાન તેણે એવો પણ ખુલાસો કર્યો હતો કે ગ્રેગ ચેપલે તેની કરિયર બરબાદ કરી ન હતી પરંતુ તેના માટે દોષિત અન્ય કોઈ છે. ઉલ્લેખનીય છે કે, ગ્રેગ ચેપલ ભારતીય ક્રિકેટ ટીમના કોચ હતા ત્યારે ઘણા વિવાદ સર્જાયા હતા ચેપલ સામે ભારતીય ક્રિકેટને બરબાદ કરવાના આક્ષેપો પણ થયા હતા. એ વખતના સુકાની સૌરવ ગાંગુલી સાથે ચેપલને મનમેળ નહીં હોવાની વાતો પણ ચગી હતી. ગ્રેગ ચેપલે તેની કરિયર બરબાદ કરી તેવા આક્ષેપો અંગે તેણે કહ્યું કે, લોકો કહે છે કે ચેપલે મને ઓલરાઉન્ડર બનાવ્યો હતો. હકીકતમાં સચિન તેંડુલકરે કેપ્ટન રાહુલ દ્રવિડને કહ્યું હતું કે, ઈરફાનને ત્રીજા ક્રમે મોકલો તેનામાં સિક્સર મારવાની તાકાત છે અને શ્રીલંકા સામેની સિરીઝમાં મને ત્રીજા ક્રમે મોકલવામાં આવ્યો. એ વખતે મુરલીધરન તેના શાનદાર ફોર્મમાં હતો.