(એજન્સી) ગ્વાદર, તા.૩
પાકિસ્તાનના બલોચિસ્તાન પ્રાંતમાં ગ્વાદર બંદર નજીક ચીને ગુપ્ત રીતે ઉચ્ચ સુરક્ષા ધરાવતી ઈમારત ઊભી કરી હતી. જેનો ઉપયોગ ચીન નૌકાદળના મથક તરીકે કરશે. ફોર્બ્સના જણાવ્યા મુજબ ગ્વાદર ખાતે ઘણા સમયથી ચીનના સંભવિત નૌકાદળ મથક ખાતે નિષ્ણાંતો નજર રાખી રહ્યા છે. આ મથકથી ભારતીય સમુદ્રમાં ચીનના પગ મજબૂત થશે. એરોસ્પેસ અને ડિફેન્સ સામયિક ફોર્બ્સના અહેવાલ મુજબ તાજેતરમાં પ્રાપ્ત થયેલી તસવીરોમાં જોવા મળ્યું હતું કે, નવી ઘણી ઈમારતો ઊભી કરવામાં આવી છે. જેમાંથી એકની ચીનની કંપની તરીકે ઓળખ કરવામાં આવી છે જે બંદર વિસ્તારનું કામ કરે છે. તેમજ ઉચ્ચ સુરક્ષા ધરાવે છે. પાકિસ્તાનના પશ્ચિમ કાંઠા ખાતે સ્થિત ગ્વાદર ચીન હસ્તકનું મોટું બંદર બનશે તેવી શક્યતા છે. જેના મારફતે ચીનના સામાનને પાકિસ્તાન પહોંચાડવાની મંજૂરી અપાશે. ચીને સૌપ્રથમ જાન્યુઆરી ર૦૧૮માં નૌકાદળ મથક સ્થપાઈ રહ્યાની માહિતી આપી હતી. જો કે, સત્તાવાર રીતે કયારેય આ યોજના અંગે સમર્થન મળ્યું ન હતું. ઉચ્ચ સુરક્ષા ધરાવતી ઈમારતની ઓળખ ચીન કોમ્યુનિકેશન કન્સ્ટ્રકશન કંપની લિમિટેડ દ્વારા ઉપયોગ કરાતી બિલ્ડીંગ તરીકે કરવામાં આવી હતી.

શું સરકાર એ વાતનું સમર્થન કરી શકે છે કે ભારતમાં
ચીનના સૈનિકો પ્રવેશ્યા ન હતા : રાહુલ ગાંધી

(એજન્સી) નવી દિલ્હી, તા.૩
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ ફરી એક વખત કેન્દ્રની નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર સામે સવાલો કર્યા હતા. રાહુલે ચીન સાથેની સરહદે સેનાની તૈનાતી અંગે મોદી સરકારને સવાલ કર્યો હતો તથા પૂછયું હતું કે, શું તેમની સરકાર એ વાતનું સમર્થન કરશે કે ભારતમાં ચીનના સૈનિકો પ્રવેશ્યા ન હતા. રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરી જણાવ્યું હતું કે, શું ભારત સરકાર મહેરબાની કરીને એ વાતનું સમર્થન કરશે કે ભારતની સરહદમાં કયારેય ચીનના સૈનિકો પ્રવેશ્યા ન હતા ? આ સાથે તેમણે મીડિયા હાઉસના અહેવાલોનો પણ ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે, પૂર્વ લદ્દાખ મુદ્દે છ જૂનના રોજ ભારત-ચીનના ઉચ્ચ પદસ્થ સૈન્ય અધિકારીઓની બેઠક યોજાશે. રાહુલે કેન્દ્રીય સુરક્ષા મંત્રી રાજનાથસિંહના નિવેદનનો પણ ઉપયોગ કર્યો હતો. જેમાં તેમણે કબૂલ્યું હતું કે, ઉંચાઈ પર એક મોટી સંખ્યામાં ચીનના સૈનિકો હાજર હતા. આ અગાઉ ગત ર૯ મે અને મે માસના અંતિમ સપ્તાહમાં પણ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ચીન સાથેના સરહદ વિવાદ મામલે કેન્દ્ર સરકાર મૌન છે.