(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૧
કોરોના વાયરસના ફેલાવાનોો આરોપોનો સામનો કરી રહેલા દિલ્હીના નિઝામુદ્દીન ખાતે આવેલા તબ્લીગી જમાતના મરકઝે લોકડાઉનના ભંગનો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તબ્લીગી જમાત મરકઝના સત્તાવાળા વિરૂદ્ધ કાયદાકીય પગલાં લેતા પહેલા સત્ય હકીકત જાણી લેવી જોઇતી હતી.
‘‘મરકઝના વહીવટીતંત્ર વિરૂદ્ધ કાયદાકીય પગલાં લેવાના સત્તાવાળાઓને આદેશ આપનારા માનનીય દિલ્હીના મુખ્યમંત્રીને કહેવા માગીએ છીએ. અમારી અરજ છે કે, માનનીય મુખ્યમંત્રીની કચેરી દ્વારા આ સત્ય હકીકતોને ચકાસી લેવી જોઇતી હતી. બાકીના મુલાકાતીઓને બહાર લઇ જવામાં મરકઝ દ્વારા ચર્ચા વિચારણા અને સહયોગ તથા મુલાકાતો અંગેની માહિતી સત્તાવાળાઓએ તેમને આપવી જોઇએ.’’ નિઝામુદ્દીન મસ્જિદ વિસ્તારને દિલ્હી પોલીસ દ્વારા સંપૂર્ણ રીતે કોર્ડન કરવા અને સેંકડો લોકોને ક્વોરન્ટાઇન કર્યા બાદ તબ્લીગી જમાત દ્વારા આ પ્રતિક્રિયા અપાઇ છે.
તબ્લીગી જમાત મરકઝ તંત્ર અનુસાર ૨૨મી માર્ચે દિલ્હીના પાટનગરમાં લોકડાઉનની જાહેરાત કર્યા બાદ ૧૫,૦૦૦ મુલાકાતીઓએ મસ્જિદ છોડી દીધી હતી અને પોતાના વિસ્તારમાં જતા રહ્યા હતા. મરકઝમાંથી બીજા ૧,૦૦૦ લોકોને બહાર લઇ જવાની વ્યવસ્થા ચાલુ હતી. નિરાશાજનક રીતે વડાપ્રધાન દ્વારા બીજા દિવસે જ ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત કરી દીધી હતી જેથી બાકીના મુલાકાતીઓને બહાર લઇ જવા માટે દિલ્હી સરાકરની મદદ માગવામાં આવી હતી. વાયરસ સામે લડવા માટે મરકઝે ક્વોરન્ટાઇન સુવિધા ઉપલબ્ધ કરાવવાની ઓફર કરી હતી. રોગચાળાના પડકાર સામે સત્તાવાળાઓને મદદ કરવા સમગ્ર પરિસરને ક્વોરન્ટાઇન સુવિધામાં ફેરવી નાખવા કહેવાયું હતું. છેલ્લા ૧૦૦ વર્ષથી મરકઝ વહીવટીતંત્ર અને સત્તાવાળાઓ સાથે સહયોગ કરે છે અને હંમેશા કાયદાનું પાલન કરે છે અને કરતું રહેશે. હાલના કોરોના વાયરસના પડકારમાં સત્તાવાળાઓને નવા કાયદા સાથે છે અને તેમના દ્વારા જારી કરાયેલા તમામ દિશા નિર્દેશનું હજુ પણ પાલન કરવા બંધનકર્તા છે.
મરકઝના તમામ કાર્યક્રમ ૩૫ દિવસના હતા અને તે એક વર્ષ પહેલાથી નક્કી હતા. જ્યારે કયા મુલાકાતીઓ આવશે તે પણ નક્કી હતું. જ્યારે વડાપ્રધાને જનતા કર્ફયુ લાગુ કર્યું ત્યારે નિઝામુદ્દીનમાં ચાલી રહેલા તમામ કાર્યક્રમોને તાત્કાલિક અસરથી પડતા રખાયા, ૨૧ માર્ચે તમામ રેલ સેવા રદ થતા મોટી સંખ્યામાં મુલાકાતીઓ મરકઝ પરિસરમાં ફસાઇ ગયા હતા. ૨૨મી માર્ચે જનતા કર્ફ્યુના દિવસે મુલાકાતીઓને રાત્રે નવ વાગ્યા સુધી બહાર ન જવા સૂચના અપાઇ. ત્યારપછી જ્યારે ટ્રેનની સુવિધા ન હતી તેથી અન્ય વિકલ્પથી લોકોને મોકલવાની વ્યવસ્થા પર વિચારણા કરાઇ. જનતા કર્ફયુ પૂરો થાય તે પહેલા દિલ્હીના મુખ્યમંત્રીએ ૨૩મી માર્ચે સવારે ૬ વાગ્યાથી ૩૧મી માર્ચ સુધી લોકડાઉનની જાહેરાત કરી. ત્યારબાદ મુલાકાતીઓ માટેના સાધનો ઉપલબ્ધ ના થયા. તેમ છતાં આશરે ૧,૫૦૦ મરકઝ મુલાકાતીઓએ પોતપોતાની રીતે જવાની સુવિધા કરી લીધી અને નિઝામુદ્દીન મરકઝ છોડ્યું હતું. અચાનક ૨૩મી માર્ચે રાતે વધુ ૨૧ દિવસના લોકડાઉનની વડાપ્રધાને જાહેરાત કરી અને લોકોને જ્યાં છો ત્યાં જ રોકાવા કહ્યું. આ મુશ્કેલ પરિસ્થિતિમાં મરકઝ પાસે કોઇ વિકલ્પ બચ્યો નહીં તેથી તેણે બચેલા લોકો માટે મેડીકલ સુવિધા અને અન્ય સુવિધાઓ કરી આપવાની સહુલિયત કરી.
૨૪મી માર્ચે હઝરત નિઝામુદ્દીનના એસએચઓ સત્તાવાળાઓ દ્વારા નોટિસ ફટકારાઇ હતી જેમાં મરકઝ બંધ કરવાની માગણી કરાઇ હતી. તે જ દિવસે જવાબ અપાયો કે, દિશાનિર્દેશો પ્રમાણે મરકઝ બંધ કરવાની કામગીરી ચાલુ છે અને એક દિવસ પહેલા જ ૧૫૦૦ લોકો જતા રહ્યા છે. હવે અન્ય રાજ્યો તથા દેશોના મુલાકાતીઓ જ મરકઝમાં છે. ત્યારબાદ જિલ્લા તંત્રને વિનંતી કરાઇ હતી કે, તેઓ મુલાકાતીઓને પોતાના સ્થળો પર પહોંચવા માટે પાસ જારી કરી આપે. આ અનુસંધાને નોંધાયેલા ૧૭ વાહનો અને તેમના ડ્રાઇવરોના નામ સહિત તેમના લાયસન્સની વિગતો રજૂ કરાઇ હતી જેથી મુલાકાતીઓ અને મહેમાનોને તેમના સ્થળે લઇ જવાય. આ અરજીની પરવાનગી હજુ અપાઇ નથી. ૨૫મી માર્ચે તેહસીલદાર સહિતની મેડીકલ ટીમ મરકઝ પહોંચી હતી. તેમને સંપૂર્ણ સહકાર અપાયો હતો આમાંથી કેટલાકે તો તેમને ચકાસણીમાં મદદ કરી. ૨૬મી માર્ચના રોજ એસડીએમ આવ્યા અને મરકઝની મુલાકાત લીધી તથા વધુ બેઠક કરવા કહ્યું. અમે ડીએમને મળ્યા તથા રોકાયેલા મુલાકાતીઓ વિશે જાણ કરી ઉપરાંત ફરીવાર અમારા દ્વારા વાહનોની વ્યવસ્થા કરી હોવાની માહિતી આપી. ૨૭મી માર્ચે છ લોકોને મેડીકલ ચેકઅપ માટે લઇ જવાયા. ૨૮મી માર્ચે એસડીએમ અને ડબલ્યૂએચઓની ટીમ મરકઝ આવીને ૩૩ લોકોને મેડીકલ ચેકઅપ માટે રાજીવ ગાંધી કેન્સર હોસ્પિટલમાં લઇ જવાયા. આશ્ચર્યજનક રીતે એસીપી ઓફિસથી નવી નોટિસ મળી અને પગલાં લેવાની ચેતવણી અપાઇ, જોકે નિઝામુદ્દીન મરકઝ દ્વારા તમામ સૂચનાઓનું પાલન કરાયું હતું. તેમ છતાં ૨૯મી માર્ચે આ નોટિસનો જવાબ અપાયો. જોકે, ૩૦મી માર્ચના રોજ સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ થઇ ગયા કે, મરકઝમાં કથિત કોરોના વાયરસ સંક્રમિત લોકો છે. હતાશાજનક રીતે દિલ્હીના મુખ્યમંત્રીએ મરકઝ સામે કાયદાકીય પગલાં લેવા ભલામણ કરી. ત્યારબાદ પણ મુખ્યમંત્રીને નમ્ર અરજ કરાઇ હતી કે, તેઓ પહેલા સત્ય હકીકત જાણે પછી પગલાંની કાર્યવાહી કરે.