પાલનપુર, તા.૧૧
બનાસકાંઠામાં ભાજપ-કોંગ્રેસ સામે ઠાકોર સેનામાંથી અલ્પેશ ઠાકોરના માર્ગદર્શન હેઠળ અપક્ષ ઉમેદવારી નોંધાવનારા સ્વરૂપ ઠાકોરની ઉમેદવારીથી ત્રિપાંખિયા જંગનાં સ્થિતિ સર્જાઈ છે. પોતાના હૃદયમાં ભરેલો રોષ પોતાના સમાજના લોકો આગળ વ્યક્ત કર્યા બાદ અલ્પેશ હળવા ફૂલ જેવો દેખાયો હતો. ચહેરા પર શાંતિનો ભાવ સ્પષ્ટ દેખાતો હતો.કોતરવાડામાં અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ પ્રથમ સભા યોજી પોતાની વ્યથા અને દિલમાં ભરાયેલી કોંગ્રેસ માટેની ભડાસ વ્યક્ત કરી હતી. કોંગ્રેસમાં વારંવાર અપમાન થતા કોંગ્રેસને છોડી દીધી હોવાનું જણાવ્ય હતું. અલ્પેશ ઠાકોરે સભા સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે “સંઘર્ષના સમયે જોડાયો અને અનેક સીટો ક્રાંતિ કરી બતાવી. ૮૦ ટકાથી વધુ મતદાન એક તરફી કરાવ્યું. પરંતુ ૨૦૧૭ની ચૂંટણી બાદ ધીરે-ધીરે અવગણના કરવામાં આવી. નિયમો બતાવવા લાગ્યા. તોછડાઈ ભર્યું વર્તન થવા લાગ્યું. મેં શું ભૂલ કરી એ મને સમજાતી નથી, જ્યાં દીવા હતા ત્યાં હેલોજન આપી. અરે અમે તો પ્રેમથી માગો તો સર્વસ્વ આપી દઈએ. અનેક બાબતોમાં ભેદભાવ જોયો. ટિકિટોમાં સોદા થતા હતા. ક્યાંક ભલામણ કરાતી હોય. એક બાબત ચોક્કસ જોઈ ઈમાનદાર અને મજબૂત લોકોને નબળા લોકો દબાવવાનો પ્રયત્ન કરે છે.” કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, “ કોંગ્રેસે વિશ્વાસઘાત કર્યો છે તેમને હવે તાકાત બતાવવાનો સમય આવી ગયો છે. આપણા ઉમેદવારનું નિશાન ગેસનો બાટલો છે અને ઘણા લોકોમાં ગેસ ભરાઈ ગયો છે ગેસના બાટલાથી તેમનો ગેસ નીકાળી દેવો છે. બીજાને હરાવવા અમે નથી નીકળ્યા. અમે તો જીતવા નીકળ્યા છીએ તેનો પાવર બતાવી દેવો છે.”