અમદાવાદ,તા.૩
બોર્ડની પરીક્ષા આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે હજુ કેટલીક શાળાઓની ઉદાસીનતા જોવા મળી રહી છે. હોલ ટિકિટને લઇને ઉદાસીનતાના લીધે વિદ્યાર્થીઓ પરેશાન થયેલા છે. મોટાભાગની શાળાઓએ વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપી દીધી છે. સંચાલકો સાથે પણ મોડેથી બેઠકો યોજાઈ હોવાની માહિતી મળી છે. આ વખતે ગુજરાતભરમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષામાં ૧૭.૧૫ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. ખાનગી શાળા સંચાલક મંડળે આ બાબતે વિદ્યાર્થીઓની હોલ ટિકિટ લેવા શિક્ષણાધિકારી કચેરીએ જવાની ના પાડતા મામલે ગરમાયો છે. હોલ ટિકિટનું વિતરણ શરૂ થઈ ગયું છે. ત્યારે આ ઘર્ષણના મુદ્દે વિદ્યાર્થીઓ અટવાયા છે. અમદાવાદ રાજકોટ સુરત વડોદરાની કેટલીક શાળાઓ આજે છેલ્લા દિવસે કચેરીમાંથી હોલ ટિકિટ મેળવી લે તેના માટે પ્રયત્ન હાથ ધરાયા છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતાએ જણાવ્યું હતું કે ગુરુવારે મોટાભાગની શાળાઓએ હોલ ટિકિટ મેળવી લીધી છે. બોર્ડના વિદ્યાર્થીઓ ચિંતા વગર પોતાની તૈયારી કરે. કોઈપણ પ્રકારનો હાઉ રાખે નહીં બોર્ડના વિદ્યાર્થીઓને વિવિધ પરિસ્થિતિ પ્રમાણે તમામ સગવડો પૂરી પાડવામાં આવશે. કેટલીક ગ્રામ્ય અને જિલ્લા કક્ષાની શાળાઓમાં ૧લીથી તેનું વિતરણ શરૂ પણ કરી દેવાયું છે. સરકાર દ્વારા કટ ઓફ ફી જાહેર કરવામાં આવી છે તે શાળા સંચાલકોને મંજૂર નથી સૂત્રોના જણાવ્યા અનુસાર ૧૦મી પહેલા સરકારે જાહેર કરેલી કટ ઓફ ફીના વિરોધમાં સુપ્રીમ જવા માટેની તૈયારી સંચાલકો કરી રહ્યા છે. શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આજે ખાનગી શાળા સંચાલકો સાથે એક મિટિંગ કરાશે અને વિદ્યાર્થીઓના હિતમાં હોલ ટિકિટના પ્રશ્નનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરાશે. જે શાળા સંચાલકોએ હોલ ટિકિટ લેવાની ના પાડી છે તેમને રિપોર્ટ સરકારમાં મોકલવામાં આવ્યો છે. આ અંગે વિભાગ માર્ગદર્શનની રાહમાં છે. સરકાર આ અંગે નિર્ણય લેશે તે પહેલા આજે અને સોમવારે શાળા સંચાલકોને સમજાવવાનો પ્રયત્ન હાથ ધરાશે. રાજયભરમાં કુલ ૧૭.૧૫ લાખ વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા માટે રજિસ્ટર્ડ થયા છે.