અમદાવાદ,તા. ૭
શહેરના ચાણકયપુરી વિસ્તારમાં આવેલી ગાયત્રીપાર્ક સોસાયટીના એક મકાનની બહાર રમતાં દોઢ વર્ષના બાળકને આ જ સોસાયટીમાં રહેતાં સ્થાનિક રહીશની કારથી અનાયાસે ટક્કર વાગી જતાં ઘરની બહાર રમી રહેલાં માસૂમ બાળકનું કરૂણ મોત નીપજયું હતું. બનાવને પગલે સોસાયટીના રહીશો અને સ્થાનિક નાગરિકોમાં ભારે અરેરાટી અને શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. એ ડિવીઝન ટ્રાફિક પોલીસે આરોપી કારચાલક વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. અન્ય એક બનાવમાં શહેરના મણિનગર વિસ્તારમાં બેંકનું કામ પૂરું કરીને પરત ફરી રહેલા ૭૫ વર્ષીય શોભારામ લાલન પાંડેને બીઆરટીએસ બસે જોરદાર ટક્કર મારતાં વૃધ્ધ નાગરિકનું ગંભીર ઇજાઓ થવાના કારણે સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. પોલીસે ફરાર બીઆરટીએસ ચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ, શહેરના ચાણકયપુરી વિસ્તારમાં ભવનાથ સોસાયટીની બાજુમાં આવેલી ગાયત્રીપાર્ક સોસાયટીના બી-૩૩ નંબરના બંગલામાં રહેતા શ્યામસુંદર શર્માનો નાનો પુત્ર વિશાલ ચાણકયપુરી બ્રીજ નીચે પાનનો ગલ્લો ચલાવે છે. ગઇકાલે સાંજે ચાર વાગ્યે શ્યામસુંદર તેમના ઘરની બહાર બેઠા હતા ત્યારે તેમનો દોઢ વર્ષનો પૌત્ર ઋત્વિક ઘરની બહાર રમી રહ્યો હતો એ વખતે આ જ સોસાયટીમાં એ-૩૩ નંબરના બંગલામાં રહેતાં હરેશભાઇ ઓધવજી પઢિયાર તેમની ઇકો ગાડી લઇને નીકળ્યા હતા અને ગફલતથી અચાનક જ શ્યાસુંદર શર્માના ઘરની બહાર રમી રહેલા દોઢ વર્ષના તેમના પૌત્ર ઋત્વિકને કારની ટકકર વાગી ગઇ હતી, આ જીવલેણ અકસ્માતમાં માસૂમ ફુલ જેવા બાળકને પીઠ અને છાતીના ભાગે ગંભીર ઇજા થતાં તેને હરેશભાઇની કારમાં જ તાત્કાલિક સારવાર માટે નજીકની સોલા સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જો કે, ત્યાં તેનું કરૂણ મોત નીપજયું હતું. બીજીબાજુ, હરેશભાઇ પઢિયાર કાર લઇ ત્યાંથી ફરાર થઇ ગયા હતા. દોઢ વર્ષના માસૂમ બાળકના મોતના સમાચારને પગલે સોસાયટીના રહીશો સહિત સ્થાનિકોમાં ભારે શોક અને અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી.
બીજીબાજુ, આરોપી કારચાલક હરેશ પઢિયાર વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં એ ડિવીઝન ટ્રાફિક પોલીસે આરોપી કારચાલકને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ જ પ્રકારના અકસ્માતના અન્ય એક બનાવમાં, શહેરના મણિનગર વિસ્તારમાં બેંકનું કામ પૂરું કરીને પરત ફરી રહેલા ૭૫ વર્ષીય શોભારામ લાલન પાંડેને બીઆરટીએસ બસે જોરદાર ટક્કર મારતાં વૃધ્ધ નાગરિકનું ગંભીર ઇજાઓ થવાના કારણે સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. પોલીસે ફરાર બીઆરટીએસ ચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.