(સંવાદદાતા દ્વારા) ભાવનગર, તા.૨૦
ભાવનગર શહેરના શિશુવિહાર વિસ્તારમાં રહેતી રિઝવાના રિયાઝભાઈ મેમણ નામની મહિલાએ ગઈકાલે મોડીસાંજે ઘરેલુ ઝઘડાના કારણે તેણીના જેઠાણીના ૩ વર્ષના માસૂમ પુત્ર મોહમ્મદનું અપહરણ કરી ભાવનગર નજીકના ઘોઘા દરિયે લઈ જઈને દરિયામાં ફેંકી દેતા માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું. ઘટનાના પગલે મરણ જનારના પરિવારજનોમાં ભારે અરેરાટી અને ખળભળાટ મચી જવા પામ્યો હતો. નિષ્ઠુર મહિલા ઉપર લોકોએ ફિટકાર વરસાવ્યો હતો. આ મહિલાને ઘોઘા બસ સ્ટેન્ડ પાસેથી લોકોના ટોળાએ ઝડપી લીધી હતી અને પોલીસને સોંપી હતી. આ બનાવ અંગે ઈબ્રાહિમ રજાકભાઈ કાથીવાળા મેમણ (ઉ.વ.૩૩, રહે.શિશુવિહાર)એ ભાવનગર શહેરના બી-ડિવિઝન પોલીસ મથકમાં રિઝવાના રિયાઝ કાથીવાળા સામે પોલીસ ફરિયાદ નોંધાવતા રિઝવાના સામે હત્યા સહિતનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.