નવી દિલ્હી,તા.૧૦
ભારતીય ક્રિકેટ ટીમનાં સ્ટાર ઝડપી બૉલર મોહમ્મદ શમી અને તેના ભાઈ સામે કાર્યવાહીને લઇને કૉર્ટે રોક લગાવી દીધી છે. નીચલી અદાલતનાં આદેશોની વિરુદ્ધ અપીલ પર સનાવણી દરમિયાન કૉર્ટને કેસ રેકૉર્ડ મોકલવાનું કહેવામાં આવ્યું છે. જણાવી દઇએ કે તાજેતરમાં જ પશ્ચિમ બંગાળનાં અલીપુરની એક અદાલતે મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં દ્વારા કરવામાં આવેલા ઘરેલૂ હિંસાનાં કેસમાં ધરપકડ વૉરન્ટ જાહેર કર્યું હતુ.
મોહમ્મદ શમી અને તેના ભાઈ હાસિદ અહમદને અદાલતે ૧૫ દિવસની અંદર સરેન્ડર કરવાનું કહ્યું હતુ. ઉલ્લેખનીય છે કે શમીની વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ નોંધાયેલો છે. ૨૦૧૮માં મોહમ્મદ શમી પર તેની પત્ની હસીન જહાંએ મારપીટ, રેપ, હત્યાનો પ્રયત્ન અને ઘરેલૂ હિંસા જેવા ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. હસીન જહાંએ શમીની સામે કેસ પણ નોંધાવેલો છે. શમીનાં ત્રણ તલાકનો કેસ પણ કૉર્ટમાં ચાલી રહ્યો છે.
વેસ્ટઇન્ડીઝ પ્રવાસ સમાપ્ત થયા બાદ ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમી અમેરિકા ગયો છે અને તે બીસીસીઆઈની સાથે તે પોતાના અમેરિકી વકીલનાં સંપર્કમાં છે. શમી ૧૨ સપ્ટેમ્બરનાં ભારત પરત ફરશે. આ સમયે તે પોતાના વકીલ સલીમ રહમાનનાં સંપર્કમાં છે.