અમદાવાદ, તા.૮
અમદાવાદ શહેરમાં કોરોના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે જેને પગલે તંત્રની ચિંતામાં વધારો થયો છે. બીજી તરફ એક ચોંકાવનારી બાબત પ્રકાશમાં આવી છે. અમદાવાદની એક મ્યુનિ. સ્કૂલ બોર્ડની શિક્ષિકાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે, થોડા દિવસ પહેલાં આ શિક્ષિકા સ્કૂલ બોર્ડના શિક્ષકોની મીટિંગમાં હાજર રહ્યા હતા તેમજ સરકારના આદેશથી સર્વે કરવા માટે લોકોના ઘરે ગયા હતા ત્યારે અમદાવાદ સ્કૂલ બોર્ડ તથા અધિકારીઓની બેદરકારીને પગલે શિક્ષિકાને લીધે અન્ય લોકોને પણ કોરોના સંક્રમણ થયું હોવાની આશંકા સેવાઈ છે ત્યારે જનતાના સીધા સંપર્કમાં આવતા કર્મચારીઓ અને અધિકારીઓનો ટેસ્ટ કરવામાં આવે અને તેમના હેલ્થનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યા બાદ જ તેમને જનતા સાથે સીધો સંપર્ક કરવાની જવાબદારી સોંપવામાં આવે તે જરૂરી છે. ગુજરાત યુથ કોંગ્રેસના સેક્રેટરી ડૉ.સુબ્હાન સૈયદ અને ગુજરાત યુનિ.ના એનએસયુઆઈના વેલ્ફેર મેમ્બર અઝહર રાઠોડે સંયુક્ત રીતે મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે, વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ફેલાઈ છે ત્યારે સામાજિક અંતર જાળવવામાં આવે અને બીમાર વ્યક્તિઓની તાત્કાલિક તપાસ હાથ ધરાય તેમ છતાં સ્કૂલ બોર્ડ દ્વારા કોઈપણ ગાઈડ લાઈનનું પાલન કર્યા વિના કોર્પોરેશન સ્કૂલના શિક્ષકો તથા શિક્ષિકાઓની મીટિંગ ઘણી વખત બોલાવવામાં આવી અને શિક્ષકોને ભેગા કરવામાં આવ્યા તથા તેમને લોકોના ઘરે-ઘરે જઈ સર્વે કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી તેવી જ એક મીટિંગની માહિતી તા.૩-૪-ર૦ર૦ના રોજ જમાલપુર ઉર્દૂ શાળા ૪ બપોરે બોલાવવામાં આવી હતી તે મીટિંગમાં હાજર શિક્ષકો, શિક્ષિકાઓમાંથી ગઈકાલે અમદાવાદ કોર્પોરેશન દ્વારા અમદાવાદ જે કોરોના સંક્રમિત ૬ દર્દીની માહિતીમાં રશીદા ફારૂક વિશાલપુરવાલા નામના દર્દીનું નામ છે. આ શિક્ષિકા છે અને આ ઉપર જણાવેલી જગ્યાએ મીટિંગમાં હાજર હતા અને આ પ્રકારની બે મીટિંગમાં આ બધાને ભેગા કરવામાં આવ્યા હતા. આ જ શિક્ષિકા લોકોના ઘરે ઘરે જઈ સર્વે કરવામાં પણ હતા હવે આ પોતે સંક્રમિત આવતા અમદાવાદ કોટ વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. સ્કૂલ બોર્ડની આ ઘોર લાપરવાહી કહેવાય અને તેથી તાત્કાલિક ધોરણે જવાબદારો સામે પગલાં લેવામાં આવે અને સરકારમાં ફરજ બજાવતા લોકો જે જનતાના સીધા સંપર્કમાં આવે છે તેવા તમામ અધિકારીઓના ટેસ્ટ કરાવવામાં આવે અને તેમની હેલ્થનું સંપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવે ત્યારબાદ તેમને જનતા સાથે સીધા સંપર્કની જવાબદારી સોંપવી આવા સંજોગોમાં હિતાવહ છે.