મોડાસા, તા.૧૪
ખંભીસર ગામે દલિત યુવકના વરઘોડામાં ઘર્ષણના ૨૪ કલાક પછી પોલીસ જાતે ફરિયાદી બની ૪ શખ્સો અને ૩૦ના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે.
મોડાસા તાલુકાના ખંભીસર ગામના જયેશ ડાહ્યાભાઈ રાઠોડ નામના દલિત યુવકના વરઘોડામાં ગામના પટેલ સમાજના માણસોએ વિરોધ કરવાના ઇરાદે અને મહિલાઓએ જાહેરમાર્ગ પર બેસી ભજન-કીર્તન કરતા દલિત યુવકનો વરઘોડો અટવાઈ ગયા પછી પોલીસતંત્રની નિષ્ફળતાના પગલે બંને ટોળા આમને-સામને આવી જતા ઘર્ષણ પેદા થયા પછી બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસ અધિકારી અને કર્મચારીઓને નિશાન બનાવી મારી નાખવાના ઇરાદે અણીદાર પથ્થરો વડે ઘા કરતા અને સરકારી વાહનોમાં તોડફોડ કરતા ભારે ચકચાર મચી હતી. સમગ્ર બનાવને ૨૪ કલાક જેટલા સમય પછી પોલીસ જાતે ફરિયાદી બની હતી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ૪ શખ્સો સહીત ૩૦૦ના ટોળા સામે ફરિયાદ નોંધી ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
ખંભીસર ગામે દલિત સમાજના જયેશ ડાહ્યાભાઈ રાઠોડના લગ્નનો વરઘોડો ગામમાં નીકળતા પટેલ સમાજના માણસોએ વિરોધ કરવાના ઇરાદે રસ્તામાં હવન કુંડ બનાવી ભજન કીર્તન કરાવી વરઘોડામાં અડચણ પેદા કરતા બંને પક્ષો સામસામે આવી જઈ વૈમનષ્ય પેદા કરી સૂત્રોચ્ચાર કરી બંને સમાજના ટોળાએ ફરજ પર હાજર અધિકારી કર્મચારીઓને ટાર્ગેટ કરી પોલીસને મારી નાખવાના ઇરાદે પોલીસ પર અણીદાર પથ્થરો તાકીને મારી ગંભીર પ્રકારની ઈજાઓ કરી તથા મૂઢ મારમારી પોલીસની ફરજમાં રૂકાવટ કરી વાહનોમાં તોડફોડ કરતા ઘટનાના ૨૪ કલાક જેટલા સમય પછી મોડાસા રૂરલ પોલીસે સુર સિંહ રતનસિંહ (બ.નં-૪૫૮) નોકરી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનની ફરિયાદના આધારે (૧) હસમુખ ભાઈ સક્સેના, (રહે.બદરપુરા તા.બાયડ), (૨) વિજયભાઈ મોંઘાભાઇ રાઠોડ, (રહે.ખંભીસર), (૩) ભાવેશભાઈ દેવકરણ ભાઈ પટેલ અને (૪) હસમુખભાઈ પસાભાઇ પટેલ, બંને (રહે.ખંભીસર) અને બસોથી ત્રણસો માણસના ટોળા વિરુદ્ધ ઇપીકો કલમ-૧૪૩,૧૪૭, ૧૪૯, ૩૦૭,૧૫૨,૧૫૩,(એ),૨૯૫ (એ), ૩૩૨,૩૩૩, ૩૨૬,૧૮૬,૩૩૭,૩૫૩ તથા પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.