(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૨૯
બોરસદ તાલુકાના નાપા તળપદ ગામે મદ્રસાએ મિફતાહુલ ઈસ્લામ (બચ્ચો કાં ઘર) ખાતે ૪૭મો જલ્સએ હિફજે કુર્આન અને એસએસસી અને એચએસસીના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ આજે યોજાઈ ગયો.
આ પ્રસંગે તિલાવતે કુર્આનથી કાર્યક્રમનો પ્રારંભ કરાયા બાદ બોર્ડના પરીક્ષાર્થીઓ તેમજ હિફજએ કુર્આનની સનદ પ્રાપ્ત કરનારા તલબાઓને શુભેચ્છા પાઠવતા મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત જામેઅતુલ કિરાઅત-કફલેતાના કારી ઈસ્માઈલ બિસ્મિલ્લાએ જણાવ્યું હતું કે, આજના યુગમાં શિક્ષણનું મહત્ત્વ ખૂબ જ છે પોતાના સંતાનોને દુન્યવી શિક્ષણની સાથે-સાથે કુર્આન અને દીનની તાલીમ આપવી પણ ખૂબ જ જરૂરી છે જેથી તેઓએ આવનારી પેઢીને દીન અને દુન્યવી શિક્ષણથી સજ્જ કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત મૌલાના ખલીલ અહેમદ દિવાએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, આજના યુગમાં દીની તાલીમ આપતા ઈદારાઓ પણ દીનના શિક્ષણની સાથે-સાથે આવનારી નવી પેઢીને દુન્યવી શિક્ષણથી સજ્જ કરવાનું કામ કરી રહ્યા છે, જે આવકાર્ય છે, આપણે દુનિયામાં કામયાબી માટે દુન્યવી શિક્ષણ પ્રાપ્ત કરવું જરૂરી છે.
આ પ્રસંગે મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત દારૂલ ઉલૂમ ફલાહે દારૈન તડકેશ્વરના ઉસ્તાદે હદિષ મૌલાના ઈકબાલ અહેમદ મદનીએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, કેટલીક વખત શરીરની બીમારીઓની જેમ જ આત્માને પણ બીમારી લાગી જાય છે અને તેના કારણે માનવી પોતાની સાચી રાહ ભટકી જતો હોય છે. ત્યારે આત્માના શુદ્ધિકરણ માટે કુર્આન પઢવાથી ફાયદો થાય છે. કુર્આનની પ્રથમ આયતમાં જ અલ્લાહે સમગ્ર માનવજાતે શિક્ષણ પ્રાપ્ત કરવા માટે જણાવ્યું છે.
આજની મોજુદા હાલત પર પ્રકાશ ફેંકતા મૌલાના ઈકબાલ અહમદ મદનીએ જણાવ્યું હતું કે, અમારા પૂર્વજો દ્વારા દેશની એકતા અને અખંડિતતા માટે બંધારણમાં તમામ લોકોને ન્યાય આપ્યો છે. ત્યારે આજે સત્તા સ્થાને બિરાજેલા સત્તાધીશો આ બંધારણને તોડવા મથી રહ્યા છે અને એક ચોક્કસ ધર્મના કોમના લોકો જ આ દેશમાં રહી શકે અને બીજા લોકોને દેશ બહાર કાઢવા માટે જુદા-જુદા કાયદાઓ લાવવામાં આવી રહ્યા છે. પહેલાં તેઓ દ્વારા ઘરવાપસી લાવ્યા અને તેમાં નિષ્ફળ રહ્યા એટલે હવે ઘર બહારીનું અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે આ દેશની સંસ્કૃતિને બચાવવા માટે તમામએ સાથે મળીને આગળ આવવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે નદવતુલ ઉલૂમ લખનૌના નાયબ મોહતમીમ મૌલાના અબ્દુલ કાદિર પટનીએ જણાવ્યું હતું કે, જીવનમાં સફળતા માટે સમય મેનેજમેન્ટ કરવું પડશે. દરેક કામ માટે એક સમય નક્કી કરો અને દરેક સમય માટે એક કામ નક્કી કરો તો દરેક કામ ઝડપથી પૂર્ણ થશે અને સફળતા મળશે.
આ પ્રસંગે મૌલાના કારી ઈસ્માઈલ, મૌલાના કારી સિદ્દિકે પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. આ પ્રસંગે મદ્રસ-એ-મિફતાહુલ ઈસ્લામ નાપાના મોહતમીમ મૌલાના ઈસ્માઈલ કાઝી, જમિઅતે ઉલેમા-એ -હિંદ આણંદ જિલ્લાના જનરલ સેક્રેટરી એમ.જી.ગુજરાતી, હાજી સિંકદર માસ્ટર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સમાજ સેવક હાજી યુસુફ ઈસ્માઈલ કાઝીનું સન્માનપત્ર આપી તેમજ શાલ ઓઢાડીનેે સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ મદ્રેસામાં તાલીમ મેળવીને હાફિજ થયેલા ૧૨ તલબાઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે હાફિઝની સનદ એનાયત કરવામાં આવી હતી. તેમજ ગત બોર્ડની પરીક્ષામાં ધો.૧૦ અને ૧૨ની પરીક્ષામાં પ્રથમ ત્રણ સ્થાને ઉત્તિર્ણ થયેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તેમજ ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. અંતમાં મૌલાના મોહમ્મદ સોહિલે સંસ્થાનો વાર્ષિક પ્રવૃત્તિનો અહેવાલ રજૂ કરી આભારવિધિ કરી હતી.