(સંવાદદાતા દ્વારા)
કોડીનાર, તા.૨૭
ગીર જંગલને અડીને આવેલા કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામની સીમમાં ઈકોસેન્સેટીવ ઝોનના પ્રતિબંધિત વિસ્તારમાં અંબુજા સિમેન્ટ દ્વારા થતું સ્ટોનનું ગેરકાયદે ખનન બંધ કરાવવા પંચાયતના સભ્ય હનુભા ઝાલાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી છે. કોડીનારમાં આવેલ અંબુજા સિમેન્ટ કાું.એ અંદાજે રપ વર્ષ પહેલાં ઘાંટવડ-કંસારિયા-ચીડીવાવ સહિતના ગામોમાંથી ખેડૂતો પાસેથી અંદાજે ૯૦પ હેક્ટર જમીન ખરીદી હતી. લાઈમ સ્ટોનથી ભરપૂર આ જમીનમાં અંબુજા સિમેન્ટ ખનન કામ કરે તે પહેલાં આ તમામ ગામોની જમીન ગીર જંગલને અડીને આવેલી હોઈ ઈકો સેન્સેટીવ ઝોનને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરાતા અને આ વિસ્તારમાંથી ખનન કરવા અંબુજા સિમેન્ટને પરવાનગી મળી ન હતી છતાં અંબુજા દ્વારા ગેરકાયદે ખનન કરાતા આ વિસ્તારના ખેડૂતોએ હાઈકોર્ટમાં જવા તજવીજ હાથ ધરી છે, ત્યારે કોડીનારના ઘાંટવડ ગામની જમીનમાં અંબુજા સિમેન્ટ દ્વારા તેમના મળતિયા માણસોને મોકલી ગેરકાયદે ખનન પ્રવૃતિ હાથ ધરતા ઈકો સેન્સેટીવ ઝોનમાં આવી પ્રવૃતિ ચાલતી હોય તેને બંધ કરાવવા અને કરેલ ખનનનું સર્વે હાથ ધરી નિયમ મુજબ રોયલ્ટી દંડ વસૂલ કરવા માટે હનુભા ઝાલાએ તંત્રમાં રજૂઆત કરી છે, તેમજ મુખ્યમંત્રીને પત્ર પાઠવવામાં આવેલ છે.