(એજન્સી) મુંબઈ, તા.૨૭
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે શુક્રવારે વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે ભારતીય વિસ્તારમાં કોઈએ ઘૂસણખોરી કરી નથી તેવી તેમની ટિપ્પણીએ તેમને ચીનમાં લોકપ્રિય બનાવી દીધા છે. એક પત્રકાર-પરિષદને સંબોધિત કરતી વખતે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીએ આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાનની કોઈ ઘૂસણખોરી થઈ ન હોવાની ટિપ્પણીના કારણે ભારતીય સશસ્ત્રદળોનું મનોબળ તૂટી ગયું છે. વડાપ્રધાન મોદીની ટિપ્પણીને ટાંકીને ચવ્હાણે કહ્યું હતું કે, ચીન વડાપ્રધાન મોદીના નિવેદનની પ્રશંસા કરે છે. તેઓ ત્યાં લોકપ્રિય બની ગયા છે. ચવ્હાણે કહ્યું હતું કે ગલવાન ખીણમાં ઘટેલી ઘટના અંગે સરકારની અંદર જ મતભેદો પ્રર્વતે છે. વિદેેશમંત્રી ચીનના સૈનિકોની હાજરીની વાત સ્વીકારે છે જ્યારે સર્વપક્ષીય બેઠકમાં વડાપ્રધાન મોદી કહે છે કે, કોઈ ઘૂસણખોરી થઈ નથી. તેમણે કહ્યું હતું કે, અમે ગલવાન ખીણમાં ચીનની ઘૂસણખોરી અંગે ચિંતિત છીએ અને સરહદ પર તૈનાત જવાનો પર અમને ગર્વ છે.