(સંવાદદાતા દ્વારા)
કોડીનાર, તા.૧૪
કોડીનારની સગીરા પર ભાજપના અગ્રણી પ્રવીણસિંહ ઝાલા સામે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાતા કોડીનાર સહિત રાજ્યભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ દુષ્કર્મ મામલે પોલીસે સગીરાના મામા, નાની અને મકાન માલિકની ધરપકડ કરી છે. જ્યારે રાજકીય અગ્રણી ભૂગર્ભમાં ઊતરી ગયો હોવાનું જાણવા મળેલ છે. જ્યારે પોતાની ફરિયાદમાં સગીરાએ ઘેનની દવા આપી તેની સાથે ખરાબ કામો કરાવતા હોવાનો ઘટસ્ફોટ કરતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ આપ્યા છે. દુષ્કર્મના બનાવની વિગત અનુસાર શહેરની મધુવન સોસાયટીમાં રહેતી સગીરાના પિતા હયાત નથી તેની માતા અન્ય સાથે રહેવા ચાલી ગઈ હતી. જેથી તે નાની સાથે રહેતી હતી. તેણીના મામા કોડીનારના પ્રતિષ્ઠિત ભાજપના અગ્રણી નેતા પ્રવીણસિંહ ઝાલાને ત્યાં ડ્રાયવર તરીકે નોકરી કરતા હતા. જેઓ પોતાની ભાણેજને પ્રવીણસિંહના કાજ ખાતેના ફાર્મ હાઉસમાં કામ અપાવી દેવાના બહાને લઈ ગયા હતા. જ્યાં આ નેતાની નજર બગડતા સગીરાને પીંખી નાખી હતી. તે નરાધમની હવસ ન સંતોષાતા ફરી બે વખત દુષ્કર્મ આચર્યું હતું. અત્રે ખાસ નોંધનીય છે કે સગીરાની નાની જે ભાડાના મકાનમાં રહેતી હતી તે કુખ્યાત લેડી લીલી અશોકભાઈ વાઘેલાનું કુટણખાનું ચલાવતી હતી. જેથી આ બદકામમાં સગીરાના મામા, નાની અને મકાન માલિકની મદદગારી બહાર આવી છે. આ અંગે સગીરાએ કોડીનાર પોલીસ સ્ટેશનમાં રાજકીય અગ્રણી પ્રવીણસિંહ સહિત મદદગારીમાં તેના સગા મામા, નાની અને મકાન માલિક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય આરોપી ધરપકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયો છે. દુષ્કર્મનો ભોગ બનનાર સગીરાએ પોલીસ ફરિયાદમાં ઘટસ્ફોટ કરતા જણાવ્યું હતું કે મકાન માલિક લીલી તેના ઘરે છોકરીઓ અને પાવૈયાઓને બોલાવી તેમની પાસે દેહવ્યાપાર કરાવતી હતી. લીલીએ સગીરાને પણ દેહવ્યાપારના ધંધામાં આવી જવાનું કહી બળજબરી કરતા સગીરાએ પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપતા લીલીએ કહ્યું તારી ઉંમર હજુ નાની છે. તારી કોઈ ફરિયાદ લેશે નહીં. આ ઘટના પછી મકાન માલિક લીલી સગીરાને દરરોજ જમવામાં ઘેનની દવા આપતી હોય તેણીને ઘેન આવતા ઊંઘી જતી અને જાગ્યા બાદ નિંદ્રા અવસ્થામાં તેની સાથે ખરાબકામ થયું હોવાની જાણ થતા આ અંગે સગીરાએ તેના મામા-નાની અને મકાન માલિક લીલીને જણાવતા આવું કંઈ થયું નથી. આ તારો વહેમ છે તેવું જણાવી સગીરાને મકાનમાં ગોંધી રાખવામાં આવતી હતી. રાજકીય નેતા પ્રવીણસિંહે એક વખત દુષ્કર્મ આચર્યા બાદ બીજી વખત સગીરાને લેવા આવતા સગીરાએ તેની સાથે જવાની ના પાડતા નરાધમ મામાએ સગીરાને માર મારી નેતા સાથે જવા મજબૂર કરી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવતા સગીરાને ઘેનની દવા પીવડાવ્યા બાદ નિંદ્રા અવસ્થામાં કોણે કોણે દુષ્કર્મ આચર્યું હતું ? તે તપાસનો વિષય છે. સગીરાની ફરિયાદ જોતા આ દુષ્કર્મમાં અનેક લોકો સામેલ હોવાની શંકા પ્રબળ બની છે ત્યારે પોલીસ તપાસમાં હજી વધુ નામો બહાર આવવાની શકયતાઓ વર્તાઈ રહી છે. કોડીનાર પોલીસે આજે ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓને ૭ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તમામ આરોપીઓના ૨ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, રાજકીય અગ્રણી અને દુષ્કર્મના મુખ્ય આરોપી પ્રવીણસિંહ ઝાલાના કાજ ગામ સ્થિત ફાર્મ હાઉસમાંથી પુરાવાનો નાશ કરાયો હોવાનું આધારભૂત સૂત્રોમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે પોલીસે આ સમગ્ર મામલે સઘન તપાસ હાથ ધરી મુખ્ય આરોપી પ્રવીણસિંહ ઝાલાને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ઘેનની દવા આપી ખરાબ કામો કરાવાના હોવાનો સગીરાનો ફરિયાદમાં ઘટસ્ફોટ કોડીનારના ચર્ચાસ્પદ દુષ્કર્મ કેસમાં ત્રણ આરોપીને બે દિવસના રિમાન્ડ : મુખ્ય આરોપી ભૂગર્ભમાં

Recent Comments