(સંવાદદાતા દ્વારા) ભાવનગર, તા.૧૬
ભાવનગરના સુભાષનગર ખાતેથી વેપારીનું અપહરણ કરાયું હતું. જેને પગલેે ઘોઘા રોડ પોલીસ સહિત એલ.સી.બી. અને એસ.ઓ.જી. કાફલો આ અંગેની તપાસમાં લાગ્યા હતા. પોલીસે ગોપાલનગર ખારમાંથી ત્રણ અપહરણકારોની ધરપકડ કરી છે તેમજ વેપારીનું પરિવાર સાથે સુખદ મિલન કરાયું છે તથા પોલીસ તમામ આરોપીઓના રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ તા.૧૪/૧૧/૧૯ ના સવારમાં સાત વાગ્યે સુભાષનગર ખાતેથી જૈન વણીક વેપારી વિક્રમભાઇ શેઠનું અપહરણ ગોપાલભાઇ સાજણભાઇ મેર તથા તેની સાથે બે અજાણ્યા ઇસમોએ ફોરવ્હીલ કારમાં કરેલ અને જે અંગેનો ગુન્હો ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદી પ્રિયાંશભાઇ વિક્રમભાઇ શેઠે પોતાના પિતાનું અપહરણ રૂપિયા ૩૦ લાખની ખંડણી માટે થયું છે તેમ જણાવતાં ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચ ઘોઘારોડ પોલીસ મળી અલગ-અલગ ટીમો બનાવી ઇલેકટ્રોનીક સાધનો જેમાં સી.સી.ટી.વી. ફુટેજ તથા આરોપીના મોબાઇલ લોકેશન લઇ તેમજ આજુબાજુના જીલ્લાની પોલીસને મેસેજ પાસ કરી નાકાબંધી હાથ ધરી હતી. મોબાઇલ લોકેશન આધારે આરોપીઓ વાળુકડ, વરતેજ, વલ્લભીપુર થઇ ધોલેરા, ધંધુકા થઇ બોટાદ તરફ ગયેલાનું જણાતા તમામ ટીમોને તે તરફ મોકલી બોટાદ તથા અમદાવાદ રૂરલ પોલીસના સંપર્કમાં રહી વેપારીનું તેમનું પરીવાર સાથે મીલન કરાવ્યું હતું.
આરોપીઓ બોટાદ ખાતેથી ગાડી તથા જેનું અપહરણ કરેલ તેમને છોડી નાશી ગઈ હતી. આરોપીઓ ગોપાલભાઇ સાજણભાઇ મેર (ઉવ.૨૨), હરેશભાઇ કરમણભાઇ આલગોતર (ઉવ.૨૦), જયેશભાઇ તોગાભાઇ મેર (રહે.તમામ સુભાષનગર, ભાવનગર) વાળાઓને ગણતરીના કલાકોમાં તા.૧૫/૧૧/૧૯ ના રોજ ગોપાલનગર ખારમાંથી એલ.સી.બી. એસ.ઓ.જી. તથા ઘોઘારોડ પોલીસની અલગ અલગ ટીમો બનાવી દબોચી લઇ તેમની ધરપકડ કરી હતી. તેઓએ આ અપહરણ રૂપિયા ૩૦ લાખની ખંડણી માટે કરેલાનું જણાવતા તેઓની પુછપરછ હાલ ચાલુ છે અને રીમાન્ડની તજવીજ માટે તથા અન્ય આરોપીઓ તથા કોઇ ગેંગ સાથે જોડાયેલ છે કે કેમ ? તેની તપાસ ઘોઘારોડ પોલીસ ઇન્સપેકટર આર.આઇ.સોલંકીએ હાથ ધરી છે.