એક છોટાસા થા મેરા આશિયાં, આજ તિનકે એ અલગ તિનકા હુઆ….

ચંડોળા તળાવ ખાતે આવેલ ઝૂંપડપટ્ટીમાં રવિવારની રાત્રે ભીષણ આગ ફાટી નીકળતા ૩૦૦થી વધુ ઝૂંપડાઓ ખાખ થઈ ગયા હતા. આગની ઘટના બાદ બળેલા મકાનો, વેરવિખેર સામાન અને મૃત પશુઓના શબને લીધે એટલી ભયાનક પરિસ્થિતિ ભાસતી હતી કે પથ્થર દિલના માણસનું પણ કાળજું કંપી જાય. દુશ્મન દેશે બોમ્બમારો કર્યો હોય અને જેવી તબાદી સર્જાય તેવા દ્રશ્યો આગની ઘટના બાદ જણાતા હતા. તસવીરોમાં આગમાં બળી ગયેલા ઘરો, વેર-વિખેર સામાન અને અંતિમ તસવીરમાં પોતાના ખંડેર ઘર પાસે પોતાના નાના બાળકને લઈ નિરાશ વદને બેઠેલી માતા દ્રશ્યમાન થાય છે.

મેયર અને સ્થાનિક કાઉન્સિલરો અસરગ્રસ્તોની મદદે દોડી ગયા :

ચંડોળા તળાવ ઝૂંપડપટ્ટીના અસરગ્રસ્તો માટે રાતોરાત શાહેઆલમ દરગાહના દરવાજા ખોલી તમામ માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં મેયર ગૌતમ શાહ સહિત સ્થાનિક કાઉન્સિલરો શહેઝાદખાન પઠાણ, રહીમભાઈ સુમરા સહિત સેવાભાવી સંસ્થાના કાર્યકરો સ્થળ પર દોડી ગયા હતા અને બનાવનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ અસરગ્રસ્તોને શાહેઆલમ દરગાહમાં રહેવાની વ્યવસ્થા કરવાનું નક્કી કરાયું હતું. સોમવારે પણ અસરગ્રસ્તો માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.ર૬
અમદાવાદ શહેરના ચંડોળા તળાવમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં રવિવારે મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળતા ૩૦૦થી વધુ ઝૂંપડાઓ અને કાચા મકાનો ભસ્મીભૂત થઈ જતા આ ઝૂંપડામાં વસતા પરિવારોની જાન તો બચી ગઈ પરંતુ તેમના ઘરવખરી રોકડ સહિત જરૂરી તમામ દસ્તાવેજો નાશ પામતા આ પરિવારો એકદમ નોધારા થઈ ગયા છે. ચોંકાવનારી બાબત એ છે કે આ આગમાં બકરા, મરઘા સહિતના અબોલ જીવો પણ મોતને ભેટતા હાલ આ અસરગ્રસ્ત પરિવારો શાહેઆલમ દરગાહમાં શરૂ કરાયેલા રાહત કેમ્પમાં આશરો મેળવી રહ્યા છે.
કુદરતી આપત્તિ હોય કે માનવ સર્જિત આપત્તિ હોય, જેમાં ભોગ બનનાર લોકો માટે શાહેઆલમ દરગાહ હંમેશાથી આશ્રયસ્થાન બનતી આવી છે. શનિવારે મોડી રાત્રે પણ ચંડોળા તળાવ વિસ્તારમાં ઝૂંપડાઓમાં લાગેલી વિકરાળ આગને લીધે ૩૦૦થી વધુ ઝૂંપડાઓ અને કાચા મકાનો આગમાં હોમાઈ જતા અસંખ્ય પરિવારો સર્વત્ર છોડી જીવ બચાવવા સલામત સ્થળે દોડી ગયા હતા. શાહેઆલમ દરગાહ કેમ્પસના દરવાજા સામાન્ય રીતે રાત્રે ૧૦-૩૦ વાગ્યા બાદ બંધ કરી દેવામાં આવે છે પરંતુ આગનો ભોગ બનનાર અસરગ્રસ્ત પરિવારોને આશ્રય આપવા મધ્યરાત્રીમાં પણ દરગાહના દરવાજા ખોલી દેવાયા હતા. અસરગ્રસ્તોએ શાહેઆલમ દરગાહ કેમ્પસમાં આશરો લીધાની જાણ થતા જ સેવાભાવી સંસ્થાઓ અને લોકો ભોજન, પાણી, અનાજ, કપડા તથા રોકડ લઈ પહોંચી ગયા હતા અને અસરગ્રસ્તોમાં વહેચવાનું શરૂ કર્યું હતું.
આગની ઘટનાની જાણ થતા જ મેયર ગૌતમ શાહ રાત્રે જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઉપરાંત દાણીલીમડા વોર્ડના મ્યુનિ. કાઉન્સિલર શહેઝાદખાન પઠાણ, રહીમભાઈ સુમરા (મુન્ના સુમરા), રમીલાબેન પરમાર, શહેર કોંગ્રેસ માયનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ઝુલ્ફીખાન પઠાણ, તથા સમગ્ર ટીમ ઓલ ઈન્ડિયા ઉલેમા બોર્ડ ઓકાફના અમદાવાદ જિલ્લા અધ્યક્ષ અન્સારી મુફીસ અહમદ, સામાજિક કાર્યકર ઈમરાન મકરાણી, ઈમરાન શેખ, આસીફખાન પઠાણ, ચાંદ શેખ, ઈસ્તિયાક અન્સારી, વસીમખાન સહિત મોટી સંખ્યામાં સામાજિક અને સેવાભાવી સંગઠનોના કાર્યકરો અસરગ્રસ્તોની મદદે પહોંચી ગયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ઝૂંપડપટ્ટી વિસ્તાર ખૂબ ગીચ હોવાથી અવારનવાર નાની મોટી દુર્ઘટનાઓ સર્જાતી રહે છે. આથી અહીંના તમામ ઝૂંપડાવાસીઓને રાજય સરકારની અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝૂંપડુ ત્યાં ઘર યોજના અંતર્ગત આસપાસના વિસ્તારમાં પાકા મકાનો બનાવી તેમને વસાવવામાં આવે તેવી માગ ઉઠી છે.
દરમ્યાન આગ અસરગ્રસ્તો હાલ ઉપર આભ અને નીચે ધરતીની અવસ્થામાં શાહેઆલમ દરગાહમાં શરણ લઈ રહ્યા છે. આ અસરગ્રસ્ત પરિવારોનું સર્વસ્વ લૂંટાઈ ચુકયુ હોવાથી પહેરેલ કપડે તેઓ અહીં આવ્યા છે. આ લોકોના રહેઠાણના પુરાવા, ઓળખપત્ર સહિતના તમામ દસ્તાવેજો આગમાં નાશ પામ્યા હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજય સરકાર દ્વારા આ તમામ અસરગ્રસ્તો માટે તાકીદે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માગ ઉઠી છે.
આગ અસરગ્રસ્તોને મકાન બાંધવાના સાધનો
અને ઘરવખરીનો સામાન અપાશે
ચંડોળા તળાવની ઝૂંપડપટ્ટીમાં આગ લાગ્યાની જાણ થતા જ સ્થાનિક મ્યુનિ. કાઉન્સિલર શહેઝાદખાન પઠાણ સાથી કાઉન્સિલરો અને મિત્રો સાથે સ્થળ પર દોડી ગયા હતા. ત્યારબાદ શહેઝાદખાન પઠાણે તમામ અસરગ્રસ્તોને શાહેઆલમ દરગાહમાં લઈ જઈ તેઓના જમવાની વ્યવસ્થા કરી હતી. આ ઉપરાંત એમ.એસ. સોશિયલ ગ્રુપ અને નવાબખાન પરિવાર તરફથી અસરગ્રસ્ત ૧પ૦ જેટલા પરિવારો માટે ઘર બાંધવા વાંસ, ચટાઈ, તાડપત્રી જેવો જરૂરી સામાન ઉપરાંત સમૂહલગ્નમાં આપે છે તે મુજબ તમામને ઘરવખરીનો તમામ સામાન આપવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત તત્કાળ સહાય તરીકે એક મહિનો ચાલે તેટલું અનાજ ભરાવી આપ્યું હતું.