ગત રવિવારે મોડી રાત્રે અમદાવાદ શહેરના  ચંડોળા તળાવમાં આવેલા ૩૦૦થી વધુ ઝૂંપડાઓ અને કાચા મકાનોમાં આગ ફાટી નીકળતા  આ પરિવારો ઉપર આભ અને નીચે ધરતીની અવસ્થામાં આવી ગયા હતા. આ તમામ આગ અસરગ્રસ્તોને શાહેઆલમ દરગાહમાં શરણ આપવામાં આવ્યું હતું. જ્યાં સ્થાનિક કાઉન્સિલર શહેઝાદખાન પઠાણ, નવાબખાન પરિવાર તથા  સેવાભાવી સંગઠનો તરફથી ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. બેઘર અને નિઃસહાય બની ગયેલા આ પીડિત પરિવારોની વ્હારે નવાબખાન અબ્બાસખાન પરિવાર અને એમ.એસ. સોશિયલ ગ્રુપ આવ્યું હતું. સર્વસ્વ ગુમાવી ચૂકેલા આ પરિવારોને ઝૂંપડુ બાંધવા વાંસ, બલ્લી ઉપરાંત ઘરવખરીની તથા  જીવન જરૂરી વસ્તુની તમામ વસ્તુઓ, એક મહિનો ચાલે તેટલું અનાજ, દાલ, મસાલા તથા  આર્થિક સહાય કરવામાં આવી હતી. આમ સર્વસ્વ ગુમાવી ચૂકેલા પરિવારોને પુનઃસ્થાયી થવા જરૂરી તમામ ચીજવસ્તુઓ મળતા તમામના ચહેરાઓ ઉપર  ખુશી અને આંખમાં હર્ષના આંસુ છલકાઈ ગયા હતા.