(એજન્સી) તા.૭
ચંદ્ર ઉપર પહોંચવાના ભારતના મિશન માટે પસંદ કરાયેલા ચંદ્રયાન-૩ યાનનું લોન્ચિંગ ૨૦૨૧ના વર્ષના શરૂઆતના મહિનાઓમાં થાય એવી શક્યતા છે એમ કેન્દ્રિય મંત્રી જિતેન્દ્ર સિંઘે રવિવારે કહ્યું હતું. જો કે ચંદ્રયાન-૨ની સાથે એક ઓરબિટર (ચંદ્રની ભ્રમણકક્ષાના ચક્કર લગાવતું યાન) હતું પરંતુ ચંદ્રાયાન-૩ની સાથે કોઇ ઓરબિટર નહીં હોય પરંતુ તેના બદલે આ યાનની સાથે લેન્ડર (જમીન ઉપર ઉતરનાર) અને રોવર (ચંદ્રની જમીન ઉપર ચક્કર લગાવનાર) જોડી દેવાંમાં આવશે. ગત વર્ષે ચંદ્રાયાન-૨ના અત્યંત મુશ્કેલભર્યા લેન્ડિંગ બાદ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ આ વર્ષના અંત ભાગમાં ચંદ્ર ઉપર પહોંચવાની બીજી યોજના તૈયાર કરી દીધી હતી. જો કે કોરોના વાઇરસની મહામારી અને તેને રોકવા માટે લાદવામાં આવેલા લોકડાઉનના પગલે ઇસરોના અનેક પ્રોજેક્ટ ખોરંભે પડી ગયા હતા અને ચંદ્રયાન-૩ના લોન્ટિંગમાં ભારે વિલંબ થયો હતો. ચંદ્રયાન-૩ની જો વાત કરવામાં આવે તો તેનું લોન્ચિંગ ૨૦૨૧ના આરંભના મહિનાઓમાં કરવામાં આવશે, આ ચંદ્રયાન-૩ એ ચંદ્રયાન-૨નું જ પુનરાવર્તન હશે પરંતુ તેની સાથે ઓરબિટર જોડવામાં નહીં આવે પણ લેન્ડર અને રોવર જોડવામાં આવશે એમ એક સત્વારા નિવેદનમાં જિતેન્દ્ર સિંઘને કહેતા ટાંકવામાં આવ્યા હતા. ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર ઉતરવાની યોજના સાથે ચંદ્રયાન-૨ને ગત વર્ષે ૨૨ જુલાઇના રોજ અંતરિક્ષમાં છોડવામાં આવ્યું હતું. તેની સાથે જોડાયેલા વિક્રમ નામનું લેન્ડર ૭ સપ્ટેમ્બરના રોજ ચંદ્રની જમીન પર ઉતર્યું હતું પરંતુ ઉતરતી વખતે ભારે તે ભારે ક્ષતિગ્રસ્ત થઇ ગયું હતું, જેના કારણે ચંદ્રની ભૂમિને સ્પર્શવાનું ભારતનું સ્વપ્ન પ્રથમ પ્રયાસે જ ચકનાચૂર થઇ ગયું હતું. જો કે તે મિશનનું ઓરબિટર હાલ ખૂબ સારી રીતે કામ કરી રહ્યું છે અને અંતરિક્ષના તમામ ડેટા સફળતાપૂર્વક મોકલી રહ્યું છે. કેન્દ્રિય અંતરિક્ષ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી જિતેન્દ્ર સિંઘે કહ્યું હતું કે ભારતે ૨૦૦૮ની સાલમાં ચંદ્ર ઉપર પોંહચવાની યોજના બનાવી હતી તદઅનુસાર ચંદ્રયાન-૧ને ૨૦૦૮ની સાલમાં લોન્ચ કરાયું હતુ. આ યાન દ્વારા મોકલવામાં આવેલી ઇમેજમાં સ્પષ્ટ જણાતું હતું કે પૃથ્વની તમામ ઉપગ્રહો ધ્રૂવો તરફ આવતા તેના ઉપર થોડો કાટ લાગે છે.