(એજન્સી) મુંબઇ, તા. ૩
ચક્રવાતી તોફાન નિસર્ગ મહારાષ્ટ્રના કેટલાક કાંઠાના વિસ્તારોમાં પહોંચ્યું હતું પરંતુ બાદમાં આર્થિક રાજધાની મુંબઇમાં પહોંચ્યું હતું પરંતુ તેની ગતિ ધીમી થઇ હતી. મુંબઇમાં ભારે પવનો સાથે વરસાદ પડ્યો હતો અને ૧૧૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપથી પવન ફૂંકાયો હતો. વાવાઝોડાથી અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા અને કેટલાક વિસ્તારોમાં વિજળીના થાંભલા પડી ગયા હતા. હવામાન વિભાગે કહ્યું કે, ૧૨૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ટકરાયું હતું. જે બાદ મુંબઇના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ અને પવનો શરૂ થયા હતા. તોફાન ટકરાયા બાદ રત્નાગીરી, અલીબાગ અને રાયગઢના દરિયામાં ઊંચી લહેરો ઉઠી હતી. આ લહેરો એટલી ઊંચી હતી કે, દરિયાના કાંઠે લાંગરેલા જહાજો પણ ડગમગવા લાગ્યા હતા. ભારતમાં છેલ્લા બે અઠવાડિયામાં બીજું તોફાન ગંભીર ચક્રવાદી વાવાઝોડામાં પરિવર્તિત થનાર નિસર્ગ બપોરે એક વાગે મુંબઇ નજીકના મહારાષ્ટ્રના કાંઠાના શહેર અલીબાગમાં ત્રાટક્યું હતું. આ ચક્રવાતી તોફાન કેટલા કલાકોમાં નબળું પડવાનું અનુમાન લગાવાયું હતું. જેમાં પવનની ગતિ ધીમી પડવા સાથે કોરોના વાયરસથી ઝઝૂમતા મુંબઇ પરથી ઉષ્ણકટિબંધીય વાવાઝોડાની ઘાત ટળી હોવાનું મનાયું હતું. ગુરૂવારે બપોર સુધી દરિયા કાંઠાના સ્થળો જેમ કે, બીચ, પાર્ક, સહેલગાહના વિસ્તારોમાં આર્થિક રાજધાનીમાં લોકોની અવર જવર પર રોક લગાવાઇ હતી ત્યાં કોઇ વધુ નુકસાનના અહેવાલ મળ્યા ન હતા. બુધવારે સાંજે સાત વાગ્યા સુધી મુંબઇના છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તમામ ફ્લાઇટોનું સંચાલન રદ કરાયું હતું. અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રીય થયું હોવાથી મહારાષ્ટ્ર ઉપરાંત ગુજરાત, દમણ અને દીવ, દાદરા નગર હવેલીને પણ હાઇએલર્ટ પર મુકાયા હતા.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. એનડીઆરએફના પ્રમુખ એસએન પ્રધાને ટિ્‌વટમાં કહ્યું કે, ઉષ્ણકટિબંધીય તોફાન નિસર્ગ મુંબઇથી ૧૦૦ કિલોમીટર દૂર અલીબાગ પાસે બુધવારે બપોર બાદ ટકરાયું હતું. અહીં ભારે પવનો અને વરસાદને કારણે વૃક્ષો ધરાશાયી થવા, ઇલેકટ્રિક થાંભલાઓ પડવાના ભયાનક વીડિયો સામે આવ્યા હતા. ભારે પવનોને કારણે બીચ પાસેના વૃક્ષો ઉખડી ગયા હતા જેનાથી માર્ગો બ્લોક થયા હતા.
૨. વસાહતી ઇતિહાસમાં મહત્વપૂર્ણ ગણાતા અલીબાગમાં બપોરે પવનની ગતિ ૯૩ કિલોમીટર પ્રતિકલાક હતી. બાદમાં આ ઉષ્ણકટિબંધીય તોફાન નબળું પડ્યું હતું જેની કાંઠા પર આવતા ઝડપ ૧૧૦ કિમી પ્રતિકલાક હતી.
૩. મહારાષ્ટ્ર અને ગુજરાતના સંભવિત અસરગ્રસ્ત દરિયાકાંઠાના વિસ્તારોમાં એનડીઆરએફની ૪૩ ટીમો મોકલાઇ હતી. એક એનડીઆરએફની ટીમમાં ૪૫ સભ્યો હોય છે. વાવાઝોડું ત્રાટકે તે પહેલા લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. અહીં સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખીને આશ્રયસ્થાનો બનાવાયા હતા.
૪. મહારાષ્ટ્રમાં કાંઠાના વિસ્તારોમાંથી આશરે ૪૦,૦૦૦ લોકોને ખસેડાયા હતા. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે લોકોન બે દિવસ સુધી ઘરની અંદર જ રહેવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ વાવાઝોડું રાજ્ય અત્યારે જે પીડા સહન કરે છે તેના કરતા વધુ ઘાતક રૂપ ધારણ કરી શકે છે.
૫. બીએમસીએ નાગરિકો માટે શું કરવું અને શું ન કરવુંની યાદી મુકી હતી અને અપીલ કરી હતી કે, બારીઓથી દૂર રહો, ગેસ લીકને યોગ્ય ચકાસો તથા મોબાઇલ ચાર્જ રાખો. વાવાઝોડા અંગે કોઇપણ માહિતી માટે ૧૯૧૬ ડાયલ કરો અને ત્યારબાદ ૪ બટન દબાવો. અફવાઓથી દૂર રહો, શાંતિ જાળવો અને ગભરાશો નહીં. બાંદ્રા-વર્લી સી લીંકના ટ્રાફિકને રોકી દેવાયો હતો.
૬. હવામાન વિભાગે સંકેત આપ્યા છે કે, દરિયામાં ભરતીને કારણે ૬.૫ ફૂટ ઊંચા મોજા ઉછળી શકે છે જ્યારે મુંબઇ, પૂણે, થાણે અને પાલઘરમાં ભારે વરસાદ તથા પૂરના સંકેત આપ્યા હતા.
૭. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની કચેરીએ મંગળવારે કેટલીક લેવાની તકેદારીની માહિતી આપી હતી.જેમાં કોવિડ જાહેર ના કરી હોય તેવી હોસ્પિટલો અને ઝંપડાવાસીઓ અંગે કરેલી વ્યવસ્થાનો પણ સમાવેશ થાય છે.
૮. વડાપ્રધાન મોદીએ મંગળવારે ટિ્‌વટ કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હોવાની માહિતી આપી હતી અને તમામ લોકો માટે સુરક્ષાની પ્રાર્થના કરી હતી. તેમણે લોકોને સલામત અને સાવચેત રહેવા પણ જણાવ્યું હતું.
૯. નાગરિક ઉડ્ડયન નિયામક ડીજીસીએએ મંગળવારે વરસાદ અને વાવાઝોડાની સ્થિતિમાં વિમાની સંચાલનની ભયાનકતા વિશે જણાવ્યું હતું. વાવાઝોડાને કારણે હવાઇ તથા રેલ ટ્રાફિક ખોરવાયો છે.
૧૦. વાવાઝોડું નિસર્ગ છેલ્લા બે અઠવાડિયામાં ભારતમાં બીજું તોફાન છે. ૨૦મી મેએ તોફાન અમ્ફાન બંગાળ તથા ઓડિશામાં ત્રાટક્યું હતું જેના કારણે મોટાપાયે નુકસાન થયું હતું.

અલીબાગમાં પુનર્વસન કામ શરૂ કરાયું

ચક્રવાતી તોફાન નિસર્ગે મહારાષ્ટ્રના અનેક ભાગોમાં તબાહી મચાવી છે અને સૌથી પહેલા તે અલીબાગ શહેરમાં ત્રાટક્યું હતું. મહારાષ્ટ્રના દરિયા કાંઠે આ વાવાઝોડું ૧૨૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપથી ત્રાટક્યું હતું. જોકે, બાદમાં તેની ઝડપ ધીમી પડી હતી અને મુંબઇ તરફ ફંટાયું હતું. આના કારણે મુંબઇ અને આસપાસના વિસ્તારોમાં મોટાપાયે નુકસાન થયું છે. અલીબાગમાં તોફાન ટકરાયા બાદ અહીં રાહત અને બચાવ કામ શરૂ કરાયું હતું. વાવાઝોડું અથડાવાને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા જ્યારે અનેક સ્થળે વિજળીના થાંભલા પડી ગયા હતા. કેટલાક સ્થળોએ વાહનો ઝાડની નીચે દબાઇ ગયા હતા તો વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારામાં પાણી ભરાયા હતા.

વાવાઝોડું મહારાષ્ટ્રના રાયગઢમાંથી પસાર થયું, વીજળીનો થાંભલો પડતાં અલીબાગમાં ૫૮ વર્ષીય વ્યક્તિનું મોત

વાવાઝોડું નિસર્ગ મહારાષ્ટ્રના દરિયા કાંઠેથી પસાર થવાને પગલે અનેક શહેરોમાં તબાહી મચાવી છે. અલીબાગ બાદ વાવાઝોડાએ રાયગઢમાં કહેર મચાવ્યો હતો અને વિવિધ શહેરોમાં વૃક્ષો ધરાશાયી થવા અને વિજળીના થાંભલા પડવાના બનાવો બન્યા હતા. વિજળીનો થાંભલો પડી જવાને કારણે ૫૮ વર્ષના વ્યક્તિનું અલીબાગમાં મૃત્યુ થયું હતું. રાયગઢના જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, અલીબાગમાં વાવાઝોડાને કારણે ફૂંકાયેલા વરસાદી પવનોને પગલે એક વિજળીનો થાંભલો પડી ગયો હતો જોકે, તે સમયે ૫૮ વર્ષની વ્યક્તિ તેની નીચે દબાઇ ગઇ હતી અને મૃત્યુ પામી હતી.

કોવિડ-૧૯ની માર બાદ હવે નિસર્ગને કારણે મુંબઈ સાથેના જોડાણને અસર : ૩૧ ઉડાનો રદ : કેટલીક ટ્રેનો ફરી શરૂ

(એજન્સી) મુંબઈ, તા.૩
નિસર્ગ વાવાઝોડાના કારણે ૧ર૦ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે કાંઠા વિસ્તારના લોકોને ખાલી કરાવવામાં આવ્યા હતા. મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો ખાલી કરાવામાં આવ્યા હતા. જો કે, ટ્રેન સેવાઓ ફરી શરૂ કરવામાં આવી હતી. ફલાઈટો રદ કરવામાં આવી હતી, માછીમારોને દરિયાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી હતી, તેમજ બચાવ કામગીરી સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. વાવાઝોડાના કારણે ૩૧ વિમાનો રદ કરવામાં આવ્યા હતા. નિસર્ગના કારણે મુંબઈને જોડતા વિકલ્પો પર અસર પડી હતી. અરબી સમુદ્રમાં સર્જાયેલું ચક્રવાત ૧રઃ૩૦ કલાકે કાંઠાના પ્રદેશ અલિબાગ ખાતે પહોંચ્યું હતું અને સાંજે ૪ કલાક સુધી તેની અસર રહી હતી. કોરોનાના કારણે પહેલાંથી જ અસર પામેલ મુંબઈ પર ૭ર વર્ષ બાદ વાવાઝોડાનું સંકટ સર્જાયું છે એમ ન્યુયોર્કની કોલેબિયા યુનિ. ખાતેના પ્રોફેસર એડમ સોએબલે ટ્‌વીટ કરી જણાવ્યું હતું. મુંબઈમાં હવામાન વિભાગના ડેપ્યુટી ડિરેકટર જનરલ કે.એસ.હોસાલિકરે જણાવ્યું હતું કે, મુંબઈ નજીકના અલીબાગ ખાતે વાવાઝોડું ત્રાટક્યું હતું જેની ગતિ ૧૧૦ કિ.મી. પ્રતિ કલાકની હતી. વાવાઝોડાના કારણે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ખાતેથી ૧૯ ફલાઈટોનું સંચાલન કરાશે. જેમાં ૧૧ ઉડાનો મુંબઈથી રવાના થશે અને આઠ ફલાઈટોનું આગમન થશે જ્યારે નિર્ધારિત પ૦ ફલાઈટો પૈકી ૩૧ વિમાનો રદ કરવામાં આવ્યા હતા. મધ્ય રેલવેએ મુંબઈ ખાતેથી ટ્રેનોનું સંચાલન સ્થાપિત કર્યું હતું. જો કે, વાવાઝોડાના કારણે મુંબઈથી કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી હતી. મુંબઈથી પાંચ સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન શરૂ કરવામાં આવ્યું હતું અને ત્રણ ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી હતી અથવા રૂટ બદલવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, અલીબાગ નજીક એનડીઆરએફની ટીમે ૧પ૦૦ લોકોને ખાલી કરાવ્યા હતા. પાલઘર અને રાયગઢ ખાતે પણ તકેદારીના પગલાં લેવામાં આવ્યા હતા.