(સંવાદદાતા દ્વારા)
પાલનપુર, તા.૬
પાલનપુર – ડીસા હાઇવે ઉપર ચડોતર નજીકથી આજેે સવારે બનાસકાંઠા એસ.ઓ.જીની ટીમે બનાસકાંઠામાં ઘુસાડવા માટે એક કારમાં લઇ જવાતી રૂપિયા બે હજારના દરની ૩૮૪ નકલી નોટો સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. આ અંગે કાર સહિત કુલ રૂપિયા ૮.૧૨ લાખનો મુદ્દામાલ કબ્જે લઇ નકલી નોટો ઘુસાડવાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં નકલી નોટો ઘુસાડવામાં આવે તે પહેલા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે પાલનપુર- ડીસા હાઇવે ઉપર ચડોતર નજીકથી બે શખ્સોને દબોચી લીધા હતા. આ અંગે ડીવાયએસપી એ.આર.જનકાંતે જણાવ્યું હતુ કે, એસ.ઓ.જી.પીઆઇ જે.બી.અગ્રાવત, પી એસ આઇ એન.એન.પરમાર સ્ટાફના કાન્તિલાલ, કલ્યાણસિંહ, વિનોદભાઈ, વનરાજસિંહ, જીતેન્દ્રભાઈ, નરભેરામ, દલપતસિંહએ બાતમીના આધારે પાલનપુર – ડીસા હાઇવે ઉપર ચડોતર નજીક વોચ ગોઠવી હતી. જ્યાં આવેલી સફેદ કલરની બલેનો ગાડી નંબર GJ. 08. BS. ઊભી રાખવી તપાસ કરતા અંદરથી રૂપિયા ૨૦૦૦ના દરની કુલ ૩૮૪ નોટો જેની કિંમત રૂપિયા ૭,૬૮,૦૦૦ મળી આવી હતી. આ અંગે કાર સહિત કુલ રૂપિયા ૮,૧૨,૬૦૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. અને ઝડપાયેલા બંને શખ્સો વિરૂદ્ધ એસઓજી પીએસઆઇ એન.એન.પરમારે પાલનપુર તાલુકા પોલીસ મથક ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ઈ.પી.કો ૪૮૯(એ), (બી), (સી), (ઇ), ૧૧૪ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
નકલી નોટો સાથે ઝડપાયેલા શખ્સો
હમીરભાઈ પુનમભાઈ પટેલ(કાગ) (રહે.કુવાતા તા.દિયોદર) રામાભાઈ અમરાભાઈ પટેલ (રહે.ચુવા તા.વાવ)
અંબાજી તરફથી નોટો લઇને આવતા હતા
હમીરભાઇ પુનમભાઇ પટેલ પાસેથી ૧થી ૨૦૦ સુધીની સિરિયલ વાળી તેમજ રામાભાઇ પટેલ પાસેથી ૨૦૧થી ૩૮૪ સિરિયલ વાળી નોટો મળી આવી હતી. જેઓ અંબાજીથી નીકળી પાલનપુર થઈ પોતાના વતન તરફ જઇ રહ્યા હતા. ત્યારે એસ.ઓ.જી.ની ટીમે ઝડપી લીધા હતા.