(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૭
ચલથાણ વિભાગ ખાંડ મંડળીના સભાસદો જ્યારે મંડળીમાં લેખિત કે મૌખિક ફરિયાદ કરે તો તેને જવાબ આપવાના બદલે ઉદ્ધત વર્તન કરી કાઢી મૂકવામાં આવતા હોવાની રાવ ઊઠી છે. તાજેતરમાં પણ લેખિતમાં પૂછેલ પ્રશ્નનો જવાબ પણ નહીં મળતા ૨ સભાસદોએ જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરી છે.
ચલથાણ વિભાગ ખાંડ ઉત્પાદક મંડળીની સિઝન ચાલુ થયાના ૪ મહિના થવા આવ્યા છતાં, હજુ પણ પિલાણ રિકવરી નહીં આવતા મંડળીના સભાસદો તેમજ ખેડૂતોમાં નારાજગી છે. એક બાજુ મોસમની માર અને વળી સુગર ફેક્ટરીની લાપરવાહીના કારણે સમયસર શેરડીનું કટિંગ નહીં કરતા શેરડીના વજનમાં ઘટાડો થતાં ખેડૂતને ખોટનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી બાજુ નવા નકોર ૮૦ કરોડના ખર્ચે મંડળીએ નાંખેલો પીલાણ પ્લાન્ટ ક્ષમતા કરતા ઓછું પીલાણ થવાના કારણે સફેદ હાથી સાબિત થયો છે. જૂના પ્લાન્ટ કરતા પ્રતિ દિન ૧ હજાર ટન શેરડીનું ઓછું પીલાણ ચાલુ સીઝનમાં થયું છે. થોડા-થોડા દિવસે પ્લાન્ટ બંધ થઈ જતાં શેરડીનું પીલાણ સંપૂર્ણ બંધ થઈ જતાં શેરડીનું કટિંગ સમયસર થઈ શકતું નથી, જે અંગેની રજૂઆત ખેડૂત સભાસદ મંડળીને વારંવાર કરવા જતાં આંખ આગળ આડાકાન કરે છે. ૧૬ માર્ચના દિવસે આ અંગેની રજૂઆત ચોર્યાસી તાલુકાના વક્તાણા ગામના ખેડૂત સભાસદ જીગર મહાદેવભાઈ નાયક જિલ્લાના મોટી સંખ્યામાં ચલથાણ મંડળીના સભાસદની સહી સાથેની ફરિયાદ જિલ્લા કલેક્ટર કચેરીમાં કરવામાં આવી હતી જેમાં મંડળી દ્વારા ચાલુ સીઝનમાં સમયસર શેરડી નહીં કાપવાથી લઈ મંડળી દ્વારા ગેરરીતિ આચરી બિન સભાસદોની શેરડી વહેલી પીલી નાખવાના આક્ષેપો કરવામાં આવતા મંડળી સંચાલકોમાં ખળભળાટ મચી ગયો છે. સુગરના સભાસદોના પ્રશ્નો અંગે યોગ્ય સંતોષકારક જવાબ અધિકારી આપતા નથી. ખેડૂતોને નુકસાન થઇ રહ્યું છે. જે અટકાવવાની અમારી માગણી છે. આ બાબત ખાંડ નિયામકને પણ કરી છે. આજ મુદ્દે કલેક્ટરમાં નામ જોગ ફરિયાદ કરી છે. ૩ મહિના પૂર્વે કરેલી મંડળીને લેખિત ખુલાસા અંગે મંડળીએ જવાબ નહીં આપ્યો તેમજ રઘવાયેલો ખેડૂત સભાસદ જ્યારે મંડળીમાં ફરી રજૂઆત કરવા જતાં ઉદ્ધતાઈ પૂર્વકનું વર્તન કરી મંડળીમાંથી તગેડી મૂકવામાં આવ્યા હતા.