• મંત્રીઓ અને ધારાસભ્યોએ શાળાઓમાં જઈ વિદ્યાર્થીઓને આવકાર્યા

• વિદ્યાર્થીઓને કોરોના ગાઇડલાઇન્સના પાલન સાથે સ્કૂલમાં પ્રવેશ અપાયો

(સંવાદદાતા દ્વારા)  અમદાવાદ, તા.૧૧
સમગ્ર રાજ્ય, દેશ અને વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના મહામારીના દસેક મહિના બાદ રાજ્યમાં ધોરણ ૧૦ અને ૧૨ની સ્કૂલો તથા અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના છેલ્લા વર્ષની કોલેજો શરૂ થઈ ગઈ છે. દસેક મહિનાના લાંબા અંતરાલ બાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું મિલન થતાં ક્યાંક આનંદ ઉત્સાહ તો ક્યાંક ભાવવિભોર દૃશ્યો સર્જાયા હતા. મોટાભાગની શાળા-કોલેજોમાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની હાજરી પાંખી રહી હતી. શિક્ષકોનું માનવું છે કે, ઉત્તરાયણના પર્વે બાદ પરિસ્થિતિ પૂર્વવત્‌ થઈ જશે.
સાથી મિત્રો સાથે લાંબા સમય બાદ મુલાકાત થવાના ઉત્સાહમાં વિદ્યાર્થીઓ હોંશે હોંશે સ્કૂલે આવ્યા હતા. વાલીઓ અને શિક્ષકોના ચહેરા પર સ્કૂલો શરૂ થયાનો આનંદ સ્પષ્ટ જોઈ શકાતો હતો. તમામ વિદ્યાર્થીઓને સરકારની ર્જીંઁનું પાલન કરી સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
અમદાવાદના શાહપુર મિલ કમ્પાઉન્ડમાં આવેલી વિશ્વ ભારતી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓએ આનંદભેર પ્રવેશ મેળવ્યો હતો. સ્કૂલમાં વિદ્યાર્થીઓને થર્મલગનથી ચેકિંગ અને સેનિટાઈઝ કર્યા બાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ પણ ઉત્સાહભેર સ્કૂલમાં આવ્યા હતા. હાઈસ્કૂલના એમડી ઇરફાનભાઇ ચિશ્તીના જણાવ્યા મુજબ વાલીઓ પાસેથી સંમતિ પત્ર મેળવ્યા બાદ બાળકોને શાળામાં બોલાવ્યા હતા. શાળા શરૂ કરતા પહેલાં સંપૂર્ણ સેનિટાઈઝ કરવામાં આવી હતી. ઉપરાંત શાળાના દરેક માળ પર હાથ ધોવા માટે સાબૂની વ્યવસ્થા કરવામાં આવી છે. શાળામાં બાળકોને ફરજિયાત માસ્ક પહેરવાનો તથા શારીરિક અંતર જાળવવાનો ખાસ આગ્રહ રાખવામાં આવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શાળામાં બાળકોની હાજરી ફરજિયાત રહેશે નહીં, ઓનલાઇન શિક્ષણ કાર્ય પણ ચાલુ રાખવામાં આવશે. ઉપરાંત જે વિદ્યાર્થીઓ તથા સ્ટાફના સભ્યોને જરાપણ લક્ષણો જણાય તો નજીકના સરકારી દવાખાનાનો પણ અગાઉથી સંપર્ક સાધી રાખેલ છે. રાજ્યની વિવિધ સ્કૂલોમાં નક્કી કરેલા સ્થળોએ મંત્રીઓ, સ્થાનિક ધારાસભ્યો કે સ્થાનિક આગેવાનોએ વિદ્યાર્થીઓને માસ્કનું વિતરણ કરી અને પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓએ સરકારની ગાઈડલાઈન્સનું પાલન કરી શાળામાં પ્રવેશ કર્યો હતો. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, ઓનલાઈન અભ્યાસ કરતાં શાળાએ આવી ભણવું ગમે છે, જ્યારે વિવિધ સંચાલકોએ કહ્યું, ધારણા કરતાં વધુ વિદ્યાર્થીઓ આવ્યા છે. ક્યાંક ૩૦ ટકા તો ક્યાં ૫૦ ટકાથી વધુ વિદ્યાર્થીઓ શાળાએ આવ્યા છે. જો કે, કેટલીક શાળાઓ ઉત્તરાયણ બાદ શરૂ થશે. શાળામાં કેટલા વિદ્યાર્થીઓ આવશે એ જોઈને શાળા ખોલવાનું નક્કી કરશે. વિદ્યાર્થીઓને ૪થી ૬ ફૂટના અંતરે બેસાડવામાં આવ્યા હતા મંત્રીઓ અને ધારાસભ્યોએ સ્કૂલમાં આવેલા વિદ્યાર્થીઓને કોરોનાની ગાઇડલાઇન્સનું ચુસ્ત પાલન કરવા માટે સલાહ આપી હતી. વિદ્યાર્થીઓને ફરજિયાત માસ્ક પહેરવા, સેનિટાઇઝ સાથે રાખવા, ઘરેથી નાસ્તો અને પાણીની બોટલ લાવવાની સલાહ આપી હતી. સ્કૂલમાં ઉત્સાહમાં આવીને એક-બીજાને ન ભેટવા માટે પણ વિદ્યાર્થીઓને સૂચન કર્યું હતું.

પ્રથમ દિવસે કેટલાક વાલીઓ જાતે
બાળકોને મૂકવા સ્કૂલ-કોલેજ ગયા
રાજ્યમાં આજથી શાળા-કોલેજો શરૂ તો થઈ પરંતુ પ્રથમ દિવસ હોવાથી વાલીઓએ થોભો અને રાહ જૂઓની નીતિ અપનાવી છે. મોટાભાગની શાળામાં ૩૦થી પ૦ ટકા જ હાજરી જોવા મળી હતી. છતાં વાલીઓ ઉત્તરાયણ બાદ પરિસ્થિતિ જોઈ તેમના બાળકોને શાળા કે કોલેજ મોકલશે. સોમવારે પ્રથમ દિવસે અમુક વાલીઓ તો જાતે તેમના બાળકોને મૂકવા ગયા હતા. તેમનું માનવું હતું કે, શાળામાં બાળકોને મૂકવાના બહાને પરિસ્થિતિનું નિરીક્ષણ પણ કરી શકાય.