નવી દિલ્હી,તા.૬
ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે યુઝવેન્દ્ર ચહલ માટે જાતિ વિષયક અણછાજતો શબ્દપ્રયોગ કરવા બદલ માફી માંગી છે. યુવરાજે કહ્યું- મેં અજાણતાં લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. મને તેનું દુખ છે. તેણે ટ્‌વીટ કર્યું હતું કે, “હું સ્પષ્ટ કરવા માંગુ છું કે રંગ, જાતિના આધારે હું કોઈ ભેદભાવમાં વિશ્વાસ કરતો નથી. મેં મારું જીવન લોકોના ભલા માટે જીવ્યું છે અને હું આ રીતે આગળ જીવવા માંગુ છું. હું દરેક વ્યક્તિને માન આપું છું. હું મારા મિત્રો સાથે વાત કરી રહ્યો હતો અને તે સમયે મારી વાત ખોટી રીતે લેવામાં આવી હતી. એક જવાબદાર ભારતીય તરીકે હું કહેવા માંગુ છું કે જો અજાણતાં મારા શબ્દોથી કોઈને દુખ પહોંચ્યું હોય તો મને માફ કરશો. યુવરાજે એપ્રિલમાં રોહિત શર્મા સાથે ઇન્સ્ટાગ્રામ પર લાઈવ ચેટ કરી હતી. આ દરમિયાન તેઓ યુઝવેન્દ્ર ચહલના ટિકટોક વીડિયોઝ વિશે વાત કરી રહ્યા હતા. ત્યારે યુવરાજે ચહલ માટે જાતિ વિષયક અણછાજતો શબ્દપ્રયોગ કર્યો હતો. યુવરાજની ટિપ્પણી બાદ દલિત અધિકાર કાર્યકર્તા અને એડવોકેટ રજત કલસને હિસારના હંસીમાં યુવરાજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. કલસને ફરિયાદ નોંધાવ્યા પછી કહ્યું હતું કે, રોહિતે યુવરાજની ટિપ્પણીનો વિરોધ કર્યો નહોતો. કલસને યુવરાજને અરેસ્ટ કરવાની પણ ડિમાન્ડ કરી હતી.