(એજન્સી) નવી દિલ્હી, તા. ૨
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે દેશમાં ચીનની મોબાઇલ એપ્સને પ્રતિબંધિત કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને ચીન પર કરાયેલી ડિજિટલ સ્ટ્રાઇક ગણાવી છે. તેમણે ગુરૂવારે પશ્ચિમ બંગાળમાં કરેલી વર્ચ્યુઅલ રેલીમાં કહ્યું કે, ભારતે ચીન પર ડિજિટલ સ્ટ્રાઇક કરી છે. અહેવાલો અનુસાર પ્રસાદે જણાવ્યું હતું કે, અમે દેશના લોકોના ડેટાની સુરક્ષાને ધ્યાનમાં રાખતા આ ચીનની એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે અને આ એક ડિજિટલ સ્ટ્રાઇક હતી.
કેન્દ્રમાં માહિતી અને પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, ભારત શાંતિનો હિમાયતી છે પરંતુ જો કોઇ અમારા પર ખરાબ નજર નાખશે તો તેને યોગ્ય જવાબ મળશે. તેમણે કહ્યું કે, હવે તમે માત્ર બે ‘સી’ વિશે સાંભળી રહ્યા હશો. કોરોના વાયરસ અને ચીન. અમે શાંતિ અને વાતચીત કરીને સમસ્યાનો ઉકેલ લાવવામાં વિશ્વાસ રાખીએ છીએ. પરંતુ જો કોઇ ખરાબ દાનત રાખશે તો તેને યોગ્ય જવાબ પણ આપીશુંં. જો આપણા ૨૦ જવાનોએ પોતાનો જીવ આપ્યો છે તો ચીન તરફ આ સંખ્યા બમણી છે. તમે જોયું હશે તે તેમણે પોતાની તરફથી કોઇ આંકડા જારી કર્યા નથી. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે સોમવારે દેશમાં ૫૯ ચાઇનીઝ મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો. જેમાં ટિકટોક, યુસીબ્રાઉઝર, શેરઇટ, હેલો અને લાઇકી જેવા અનેક પોપ્યુલર એપ્સ સામેલ છે. સરકાર તરફથી કહેવાયું હતું કે, દેશમાં ડેટા અને પ્રાઇવેસી સુરક્ષાને જોતાં આ પગલું ભરવામાં આવ્યું છે. ત્યારબાદ મંગળવારે ઇન્ટરનેટ કંપનીઓને આદેશ જારી કરાયો હતો જેમાં કહેવાયું હતું કે, તેઓ આ એપ્સ પર રોક લગાવે. બીજી તરફ ચીને કહ્યું હતું કે, ભારત દ્વારા ચીનની એપ્લીકેશનો પર પ્રતિબંધ લગાવવો એ ભારે ચિંતાનો વિષય છે. તેણે કહ્યું કે, આ બંને દેશોના સહયોગની અવગણના છે અને આ પ્રતિબંધ ભારતના હિતો વિરૂદ્ધ છે.