પાટણ, તા.૧૯
ચાણસ્મા તાલુકાના સુણસર ગામમાં પંડિત દીનદયાળ મકાન સહાય આપવામાં તંત્ર દ્વારા વ્હાત-દવલાની નીતિ અપનાવતા આજ રોજ સુણસર ગામના કેટલાક લાભાર્થીઓ દ્વારા પાટણ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગના અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું કે, ચાણસ્મા તાલુકાના સુણસર ગામના વ્યક્તિઓ દ્વારા પંડિત દીનદયાળ મકાન સહાય યોજનામાં પોતાના ફોર્મ ભરેલા હતા ત્યારબાદ મળવાપાત્ર મકાન સહાયની માગણી કરતાં તંત્ર દ્વારા વ્હાલા-દવલાની નીતિ અપનાવીને ફોર્મ ભરનાર લાભાર્થીઓ સાથે અન્યાય કરી ચેકનું વિતરણ કરવામાં આવેલું નથી. ત્યારે સુણસર ગામના બાકી રહેલા પંડિત દીનદયાળ મકાન સહાયનાં લાભાર્થીઓને તાત્કાલિક અસરથી મકાન સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આ બાબતે પાટણ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગના ગોસાઈએ આવેદનપત્ર સ્વીકારતાં જણાવ્યું હતું કે, ગ્રામજનોની જે કોઈ માગણી હશે તેની તપાસ કરીને ગુરૂવારે સુધીમાં ઘટતુ કરાશે તેવી હૈયાધારણ આપવામાં આવી હતી.