પાટણ, તા.ર૩
ચાણસ્મા નજીક આજે સાંજના સુમારે બાઈક, મીની ટ્રક અને એસ.ટી. બસ વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર પતિ, પત્ની અને બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. એક જ પરિવારના ત્રણના મોતથી અરેરાટી સાથે શોકની લાગણી છવાઈ ગઈ હતી.
અકસ્માતની પ્રાપ્ત વિગતો મુજબ ચાણસ્મા ડેપોની મીની બસ નં. જીજે-૧૮-ઝેડ-૦૯૧૩ રાધનપુરથી મહેસાણા તરફ જઈ રહી હતી તે સમયે ચાણસ્મા નજીક ધાણોધરડા ગામના પાટિયા પાસે સામેથી આવતા મીનીટ્રક અને બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. બહુચરાજી તાલકુાના ગોધરાના ઠાકોર વિનુજી બાબુજી, પત્ની આરતી અને પુત્ર પ્રતિક બાઈક લઈ ધાણોધરડા પોતાના સંબંધીને ત્યાં આવ્યા હતા.
અકસ્માતનો અવાજ સાંભળી આજુબાજુના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરતા ચાણસ્મા પી.એસ.આઈ. પઠાણ સ્ટાફ સાથે દોડી આવ્યા હતા અને ત્રણેના મૃતદેહો ચાણસ્મા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પી.એમ. અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.