(એજન્સી) તા.૭
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી કોરોના વાયરસની મહામારીમાં મોટાપાયે સક્રિય દેખાઈ રહ્યા છે, ત્યારે તાજેતરમાં તેમણે ઉત્તર બંગાળમાં લૉકડાઉન દરમિયાન ચાના બગીચાઓમાં કામકાજને અટકાવી રાખવાનો નિર્ણય લીધો છે. તેમણે આ નિર્ણય ચાના બગીચાઓમાં મોટી સંખ્યામાં કાર્યરત પ્રવાસી મજૂરોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને લીધો છે.
જો કે, રાજ્યની મમતા સરકારના આ નિર્ણયને કારણે અનેક ચાના બગીચાના માલિકો ખુશ નથી. ઉલ્લેખનીય છે કે, તેઓએ અનેકવાર મુખ્યમંત્રી મમતા બેનરજીને ચાના બગીચાઓમાં કામગીરી શરૂ કરાવવા અપીલ કરી હતી. આ દરમિયાન રાજ્યના નાણામંત્રી અમિત મિત્રા તથા અન્ય અધિકારીઓ, ટ્રેડ યુનિયનના લીડરો તથા અન્ય રાજકીય નેતાઓ દ્વારા ભાજપના દાર્જિલિંગના સાંસદ રાજુ બિસ્તાએ પણ રાજ્ય સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું છે.
બીજી બાજુ બિસ્તાએ વડાપ્રધાન મોદીને ટાંકીને તેમને એક વિનંતી પણ કરી હતી કે, તેઓ ઉત્તર બંગાળ માટે મેડિકલ તથા ડિઝાસ્ટર એક્સપટ્‌ર્સની ટીમની વ્યવસ્થા કરે કે, જેથી કરીને કોવિડ-૧૯ના ચેપને ફેલાતો રોકવા માટે જરૂરી તૈયારીઓ કરી શકાય. તમને જણાવી દઈએ કે, પત્રકાર પરિષદને સંબોધતા મમતા બેનરજીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે પણ અમને અનેકવાર ચાના બગીચાઓમાં કામગીરી શરૂ કરવા કહ્યું છે. જો કે, અમે હજુ અમુક દિવસો સુધી વેઈટ એન્ડ વૉચની સ્થિતિમાં રહેવા માંગીએ છીએ. કલિમપોંગ ખાતે એક વ્યક્તિના કોરોનાથી મોત પછી મેં અનેક લોકો સાથે વાતચીત કરી સ્થિતિનું આકલન કરવા પ્રયાસ હાથ ધર્યો છે.