(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૮
ખાડીપુરમાં ફસાયેલા પીડિતોને ફૂડ પેકેટ્‌સ પહોંચાડતી સ્વયંસેવી સંસ્થાઓમાં મોહદ્દિશે આઝમે હિન્દનો પણ સમાવેશ થઈ ગયો છે. છેક ત્રણ-ચાર ફૂટ ઉંડા પાણીમાં ઉતરીને મિશનના કાર્યકર્તાઓએ છેલ્લાં ઘર સુધી પેકેટ્‌સ પહોંચાડવાનું ભગીરથ કાર્ય પાર પાડ્યું હતું. હલિમાર ચેરિટેબલ ટ્રસ્ટ અને ટ્રાફિક એસીપીના સંકલનમાં પણ વ્યાપક માત્રામાં સહાય પહોંચાડવામાં આવી રહી છે.
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સુરતના સ્માર્ટ સિટી એરિયામાં ખાડી પૂર આવી જતાં અંદાજિત ત્રણ લાખ લોકો અસરગ્રસ્ત બન્યા છે. મુખ્યત્વે મીઠીખાડીને કારણે લિંબાયત અને મીઠીખાડી વિસ્તાર અસરગ્રસ્ત બન્યા છે. જેમાં મોટેભાગે ગરીબથી અત્યંત ગરીબ પરિવારો વસવાટ કરે છે. રોજ કમાઈને રોજ ખાવા વાળા પરિવારો પર અણધારી મુસીબત આવી પડતાં અનેક લોકો ભેરવાઈ પડ્યાં છે. મહામારીને કારણે ત્રણ મહિના સુુધી કામ ધંધા વગરના બનેલા ગરીબોને બેવડો માર પડ્યો છે. ખાડી પુરને કારણે સર્વસ્વ ગુમાવી દેનારને ફૂડ પેકેટ્‌સ પહોંચાડવા માટે અનેક સંસ્થાઓ આગળ આવી છે. હલિમા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પણ ઉપરોક્ત વિસ્તારમાં દરરોજ ૧૦,૦૦૦થી વધુ ફૂડ પેકેટ્‌સનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી આ સેવા ચાલુ રહેશે એમ અફરોઝભા ફત્તાએ જણાવ્યું છે. આ પેકેટ્‌સમાં દૂધ અને પાઉનો સમાવેશ થાય છે. મોહદ્દિશે આઝમે હિન્દના કાર્યકર્તાઓએ પણ ૩૦૦૦થી વધુ ફૂડ પેકેટ્‌સની વ્યવસ્થા ગોઠવીને પુરગ્રસ્ત વિસ્તારમાં વિતરણ કર્યું હતું. પેકેટેસ્‌ સાથે પાણીની બોટલ, બિસ્કીટ અને વિશેષરૂપે દૂધનું પણ વિતરણ કર્યું હતું.
આ સિવાય ટ્રાફિક વિભાગના એસીપી અશોકસિંહ ચૌહાણના સંકલનમાં અનેક ટીમો કાર્યરત હોવાથી લોકોને બે ટંકનું ભોજન મળી રહે છે. પાલિકા દ્વારા પણ નજીકના વિસ્તારોમાં રિલિફ કેમ્પ ઉભા કરવામાં આવ્યા છે અને અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટ્‌સની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તમામ સંસ્થાઓએ ફૂડ પેકેટ્‌સ પહોંચાડવા માટે પાલિકાની બોટ્‌સનો ઉપયોગ કર્યો હતો. જ્યાં બોટ અવેલેબલ ન હતી તે સ્થળે ત્રણ થી ચાર ફૂટ ઉંડા પાણીમાં ઉતરીને કાર્યકર્તાઓએ ફૂડ પેકેટ્‌સ પહોંચાડ્યા હતા. સુરતની આ ખુમારીને પાલિકા કમિશનર બંછાનિધિએ આવકારી હતી અને તમામ સંસ્થાઓનું અભિવાદન કરીને તેમની સેવાની બિરદાવી હતી.