અંકલેશ્વર, તા.રપ
અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં કંપનીમાં જેસીબી મશીન નીચે કચડાઇ જતા ૭ માસના બાળકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. પોલીસ સૂત્રીય માહિતી મુજબ, મૂળ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નવા ફળીયા ગામના મુકેશ બીલવાડ અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં ખાતર બનાવતી મેસર્સ પુષ્પા જે.શાહ કંપનીમાં મજૂરી કામ કરે છે. તેઓ પત્ની અને ૨ બાળકો સાથે જીઆઇડીસી વિસ્તારમાં જ રહે છે. મુકેશ બીલવાડ કંપનીની ઓરડીમાં હતા અને તેઓની પત્ની અને અન્ય વ્યક્તિઓ કંપનીમાં મજુરી કામ કરવા માટે ગયા હતા. તે દરમ્યાન મુકેશ બીલવાડ ના ૭ માસના ક્રિશને લઇને તેમનો સંબંધી મહેશ મોહનીયા કંપનીમાં આવેલ ૧૭ નંબરના પ્લોટ તરફ રમવા લઇ ગયો હતો. જોકે કંપનીનું જેસીબી મશીન માટી ભરવા માટે જઇ રહ્યું હતું, ત્યારે મશીન રિવર્સ લેતી વખતે ૭ માસનો કિશન ત્યાં રમી રહ્યો હતો. મહેશ મોહનીયાએ બૂમાબમ કરી મુકી હતી. પરંતુ, જેસીબીના ચાલકે કાનમાં મોબાઈલના ઈયર ફોન લગાવ્યા હોવાથી તેને બૂમો સંભળાઈ ન હતી. જેથી બાળક ઉપર જેસીબી મશીન ફરી વળતાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટના બાદ જેસીબીનો ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ ઘટનાના પગલે બાળકના પિતા મુકેશ બીલવાડે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરાર જેસીબીના ચાલકને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી.