(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૪
મોબાઈલ સ્નેચરોના વધી ગયેલા ત્રાસ વચ્ચે એક મહિલા ચાલુ રિક્ષામાંથી નીચે પટકાઈ હોવાની ઘટના બની હોવાની હકીકત સામે આવી રહી છે.
લિંબાયતના મદનપુરામાં ૨૮ વર્ષીય પ્રેચીતા રાધાક્રિષ્ણ પંડન રહે છે. ખટોદરાની ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે સેવારત પ્રચિતા રવિવારે રાત્રે હોસ્પિટલથી રિક્ષામાં બેસીને ઘરે પરત ફરી રહી હતી. ત્યારે ઉધના રેલવે સ્ટેશન પાસે આવેલ બ્રિજ નજીક પાછળથી બાઇક પર ત્રાટકેલા બે અજાણ્યા યુવાનો પૈકી એકે પ્રેચીતા પાસેથી મોબાઈલ ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. પ્રેચીતાએ મોબાઇલ ફોન નહીં છોડતા પાછળ બેસેલા યુવકે પ્રેચીતાનો હાથ જોરથી ખેંચ્યો હતો. તેના કારણે પ્રેચીતા ચાલતી રિક્ષામાંથી બહાર ફેંકાઈ હતી. છતાં નિર્દયી સ્નેચર્સે પ્રેચીતાના હાથમાંથી મોબાઈલ ઝૂંટવીને ભાગી છૂટ્યા હતા. પ્રેચીતાને વધુ વાગતા તે બેભાન થઈ ગઈ હતી. રિક્ષામાં જ બેસેલા અન્ય પેસેન્જરે પ્રેચીતાને હોસ્પિટલ ખસેડી હતી. ભાનમાં આવ્યા પછી પ્રેચિતાને ફરિયાદને આધારે ઉધના પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.