પાવીજેતપુર, તા.૩
પાવીજેતપુર તાલુકાના ડુંગરવાટ ગામે આવેલ સુખી ડેમ ભરાઈ ગયો છે પરંતુ તંત્રની નિષ્કાળજીના કારણે કેનાલોનું રિપેરીંગ કામ ન કરવામાં આવતા છતે પાણીએ હવાતિયા મારવાનો વારો આવશે જેથી કિસાનો ઉપર ટેન્શનના વાદળો છવાઈ રહ્યા છે.
આ વર્ષે વરસાદ નું પ્રમાણ ખૂબ જ સારું રહ્યું હોય સિઝનનો ૧૩૧૪ મીલી જેટલો વરસાદ વરસી જતા સુખીડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયો છે અને કિસાનો ને પાણી આપવા માટે નું શિડ્યુલ પણ નક્કી કરી દેવામાં આવ્યું છે ત્યારે સુખી ડેમ ની કેટલી કેનાલો તૂટી ગઈ છે ગાબડા પડી ગયા છે જેને સુખી સિંચાઇના અધિકારીઓ દ્વારા રિપેર કરવામાં ન આવતા છતે પાણીએ હવાતિયા મારવા નો વારો કિસાનોનો આવવાનો છે . અધિકારીઓનું વારંવાર ધ્યાન દોરવા છતાં મગરમચ્છ ની ચામડી ધરાવતા અધિકારીઓ એસી ગાડી તેમજ એસી ઓફિસમાંથી બહાર નીકળતા જ નથી, ટેન્ડરો બહાર પાડી કામ થયું છે કે નથી થયું તેની ચોક્કસ તપાસ કરતા નથી જેના કારણે સુખી સિંચાઈની કેટલીક કેનાલના ગાબડાં નીકળી જવા પામ્યા છે . પાવી જેતપુરથી ત્રણ કિલોમીટરના અંતરે આવેલ ખાંડીયા અમાદર પાસેની કેનાલ બેથી અઢી કિલોમીટર જેટલી સાવ ખખડધજ થઇ જવા પામી છે. અહિંયા કેનાલ હશે એવું નામોનિશાન રહ્યું નથી. એમાં ઝાડી-ઝાંખરા ઊંગી જવા પામ્યા છે તો આના માટે જવાબદાર કોણ ? આ અંગે અધિકારીઓને ફોન કરીએ છીએ તો અધિકારીઓ ફોન ઉઠાવતા નથી ખરેખર આ કેનાલનું ટેન્ડરિંગ થયું છે કે નથી થયું ? હજુ કામ કેમ બાકી છે ? તેવા અનેક વેધક સવાલો ધરતી પુત્રોમાં ઉઠી રહ્યા છે.
છતે પાણીએ વલખાં મારવા ના પડે તે માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં રીપેરીંગ કામ કરવામાં આવ્યું નથી. સામાન્ય રીતે ૧૫/૧૧/૨૦૨૦ થી રવિ પાકની સીઝન ચાલુ થઇ જશે આ મહિનાની પહેલી તારીખથી જ પાણી છોડવાનું હોય પરંતુ હજુ સુધી છોડવામાં આવ્યું નથી ખરેખર આવા અંધેર વહીવટ માટે જવાબદાર કોણ ? સંબંધિત અધિકારી ને ફોન કરીએ છીએ તો ફોન ઉઠાવતા નથી
પાવીજેતપુર નજીક આવેલ રોજકુવા, દેવરીયા, પાલસનડા, કોરાજ વગેરે ૨૦થી વધુ ગામોને છેલ્લા ૧૦ વર્ષથી સુખી સિંચાઇની કેનાલનો લાભ જ મળતો નથી. આ વિસ્તારના કિસાનોને કહેવું છે કે વારંવાર રજૂઆત કરવા છતાં આ વિસ્તારની કેનાલોનું રીપેરીંગ કામ જ કરવામાં આવ્યું નથી આ વિસ્તારમાં કિસાન પૈસા પણ ભરતા હોય પરંતુ કેટલીક મંડળી વાળા પૈસા લઈ સુખી સિંચાઇની ઓફિસમાં જમા કરાવતા જ નથી જેના કારણે ધરતીપુત્રોના માથે દેવું બોલતું હોય છે. પહેલા ડાયરેક્ટ સુખી સિંચાઇની ઓફિસમાં પૈસા ભરતા પાણી મળતું હતું પરંતુ સીસ્ટમ બદલાઇ જતા હવે આ લોકોને પાણી મળવાનું છેલ્લા ૧૦ વર્ષથી બંધ થઈ ગયું છે. રોજકુવા વિસ્તારની કેનાલોમાં એટલા ઝાડી-ઝાંખરા ઊગી ગયા છે કે જાણે કેનાલોનું નામોનિશાન મટી ગયું છે. ખરેખર તંત્ર આ અંગે ઘટતું કરી ઝાડી ઝાંખરા દૂર કરી તૂટી ગયેલ કેનાલો રીપેર કરાવે તેવી રોજકુવા વિસ્તારના ૨૦ જેટલા ગામોના ધરતીપુત્રોની બુલંદ માંગ ઉઠી છે.