(એજન્સી) નવી દિલ્હી, તા.રપ
સગીરા પર દુષ્કર્મ મામલે જોધપુર કોર્ટ દ્વારા આસારામને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. ભકતોને પોતાના ઈશારે નચાવનાર આસારામ ચા વેચનારમાંથી કરોડોના માલિક કેવી રીતે બન્યા તે તરફ એક નજર કરીએ તો આસારામનું મૂળનામ અસુમલ હરપલાની છે. તેનો જન્મ ૧૭ એપ્રિલ ૧૯૩૧ના રોજ બિરાની નામના એક ગામમાં થયો હતો. પિતાના મૃત્યુ બાદ આસારામે મેજિસ્ટ્રેટ ઓફિસની બહાર ચા વેચી. ત્યારબાદ ૧પ વર્ષની ઉંમરે તે ઘરેથી ભાગી આશ્રમ જતો રહ્યો પરંતુ ઘરવાળાઓએ તેની પરત લાવી લક્ષ્મી દેવી સાથે લગ્ન કરાવ્યા અને તેમના બે બાળકો પણ છે. નારાયણ સાંઈ અને ભારતી દેવી. અમદાવાદથી લગભગ ૧૦ કિલોમીટર દૂર સાબરમતીના કિનારે આસારામને પોતાની પ્રથમ ઝૂંપડી બનાવી. શરૂઆતમાં તે લોકોને પ્રલોભવા ઈલાજ અને મફત દવાઓની લાલચ આપતો અને ભજન-કિર્તન બાદ પ્રસાદના નામે મફત ભોજન પણ વહેંચતો અને ધીરે-ધીરે લોકોમાં લોકપ્રિય થયો. આસારામે પોતાના પુત્ર સાથે મળી દેશવિદેશમાં પોતાના ૪૦૦ આશ્રમોનું સામ્રાજ્ય ઊભું કર્યું. વિવિધ અહેવાલો અનુસાર હાલ આસારામની મિલકતની કુલ કિંમત ૧૦ હજાર કરોડ રૂપિયા છે. આસારામની વેબસાઈટ અનુસાર દુનિયાભરમાં તેના ચાર કરોડ અનુયાયી છે. તેની આ કિર્તી પાછળ રાજનૈતિક પ્રતિભાઓનો પણ હાથ છે જેમાં અટલ બિહારી વાજપેયી, અડવાણી, નીતિન ગડકરી, શિવરાજસિંહ ચૌહાણ, વસુંધરા રાજે, ઉમા ભારતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમાવેશ થાય છે. પરંતુ ધીરે ધીરે આસારામની લોકપ્રિયતા ઘટવા માંડી જ્યારે બાળકોની હત્યા, બળાત્કાર અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓના આરોપ તેના પર લાગ્યા. ર૦૧૩માં તરૂણી પર બળાત્કારના આરોપ બાદથી તે જેલમાં કેદ છે આજે તેની વિરૂદ્ધ આરોપો સાબિત થયા બાદ હવે તેને આજીવન કેદ ભોગવવાનો વારો આવ્યો છે.