(એજન્સી)
નવી દિલ્હી, તા.૩૦
કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ જણાવ્યું હતું કે, જે હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સમાં કોરોનાના દર્દીઓ આગ લાગવાને કારણે મોતને ભેટે છે તે ખરેખર એક ચિંતાજનક બાબત છે. ગૃહ સચિવે આ મામલે રાજ્યોને પત્ર પાઠવી પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. ભલ્લાએ પત્રમાં જણાવ્યું હતું કે, કોરોના મામલે કેન્દ્રના ગૃહમંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા દિશા-નિર્દેશોનો કડક પણે અમલ કરવામાં આવે. ભલ્લાએ પત્રમાં જણાવ્યું હતું કે, હું હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સમાં લાગતી આગની ઘટના અંગે રાજ્યોનું ધ્યાન ખેંચવા માંગું છું. તંત્ર દ્વારા ફાયરસેફ્ટીનો અમલ ન કરવો એ એક ચિંતાજનક બાબત છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં અમદાવાદ અને રાજકોટની એક હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગ લાગવાને કારણે કોરોનાની સારવાર લઈ રહેલા છ દર્દીઓનાં મોત નિપજ્યા હતા. હાલ જ્યારે ભારત દેશ કોરોના સામે લડી રહ્યો છે ત્યારે આ પ્રકારની દુર્ઘટનાઓ ન બને તેની ખાતરી કરવી જોઈએ.
પત્રમાં કેન્દ્રીય ગૃહ સચિવે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને એ વાતની ખાતરી કરવા જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ દિશા-નિર્દેશોનું પાલન થાય છે કે, નહીં અને તમામ હોસ્પિટલોમાં સુરક્ષાની પુનઃ ચકાસણી કરવા પણ નિર્દેશ આપ્યો હતો. ગુજરાતના રાજકોટમાં એક ખાનગી હોસ્પિટલમાં લાગેલી આગમાં પાંચ દર્દીઓનાં મોત થયા હતા. તેઓ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. આ કમનસીબ ઘટના અંગે પાંચ લોકો સામે બેદરકારી દાખવવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. આરોપીઓમાં ગોકુલ હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડના ચેરમેન, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને અન્ય અધિકારીઓનો સમાવેશ થાય છે જેના દ્વારા ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલનું સંચાલન કરવામાં આવે છે. પોલીસે જણાવ્યું હતું કે, તપાસમાં એ વાત બહાર આવી હતી કે, હોસ્પિટલ દ્વારા સંચાલનના અનેક નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં હોસ્પિટલ તંત્ર દ્વારા સુરક્ષા પ્રત્યે ગંભીર બેદરકારી પણ દાખવવામાં આવી હતી, એમ રાજકોટના ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું. ડીસીપીએ જણાવ્યું હતું કે, આઈસીયુનો ઈમરજન્સી ગેટ બંધ બ્લોક હતો, જેને કારણે આગ સમયે બચાવ કામગીરી માટે આ દરવાજાનો ઉપયોગ થઈ શક્યો ન હતો.