કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમની છબિ ખરડવા માટે ઇડી, સીબીઆઇ અને મીડિયાના એક ભાગનો ઉપયોગ કરી રહી છે. મંગળવારે દિલ્હી હાઇકોર્ટે ચિદમ્બરમને ધરપકડમાંથી રાહત આપવાનો ઇન્કાર કરી દીધો હતો. ત્યારબાદ સીબીઆઇએ બે કલાકમાં તેમને પુછપરછ માટે તપાસ ઓફિસમાં આવવાની નોટિસ મોકલી હતી પણ ચિદમ્બરમ ઘરે મળ્યા ન હતા. રાહુલ ગાંધીએ આ પગલાંની નિંદા કરતા કહ્યું કે, આ પગલાંની હું સખતપણે નિંદા કરૂં છું. બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પૂર્વ કેન્દ્રીય મંત્રી વિરૂદ્ધ નવું લૂકઆઉટ સર્ક્યુલર બહાર પાડ્યું હતું. રાહુલ ગાંધીએ ટિ્‌વટમાં કહ્યું કે, મોદી સરકાર ચિદમ્બરમની છબિ ખરડવા માટે ઇડી, સીબીઆઇ અને મીડિયાના કેટલાક ભાગનો ઉપયોગ કરી રહી છે. હું સત્તાના શરમજનક દુરૂપયોગને સખત રીતે વખોડું છું.