(એજન્સી) નવી દિલ્હી, તા.૮
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે બુધવારે ગરીબોને તાત્કાલિક રોકડ આપવાની હિમાયત કરી હતી, જ્યારે સરકાર ઉપર આરોપો મૂક્યા હતા કે, લોકડાઉન દરમિયાન એવંચિત લોકો પ્રત્યે ગેરવર્તન અને બેદરકારીભર્યું અભિગમ અપનાવી રહ્યું છે. તેમણે ટિ્‌વટ કરી લખ્યું હતું કે, બેરોજગારી ૨૩ ટકાએ પહોંચી ગઈ છે અને દૈનિક મજૂરોની રોજીંદી આવક બંધ થઇ ગઈ છે. એ માટે સરકારે તાત્કાલિક સંસાધનો શોધી કાઢવા જોઈએ અને ગરીબોને રોકડ સહાય આપવી જોઈએ. તેમણે સરકારનો આક્ષેપ કર્યો હતો કે, સરકારના કમનસીબ અને ક્રૂરતાથી ભરેલ બેદરકારીભર્યા અભિગમથી ગરીબોની મુશ્કેલીઓ વધી છે. તેમણે જણાવ્યું હતું કે, લોકડાઉનની તરફેણ કરનાર પ્રથમ વ્યક્તિ તરીકે હું કેન્દ્ર સરકારનું સ્વાગત કરૂં છું કે, તેમણે ૧૪ એપ્રિલ પછી લોકડાઉન હટાવવું જોઇએ કે કેમ તે અંગે રાજ્યો પાસેથી સલાહ લીધી છે. તેમણે કહ્યું કે, આ પ્રશ્નના જવાબ વ્યક્તિગત અથવા ક્ષેત્રીય હિતો પર આધારિત હોઈ શકતા નથી. જવાબ ફક્ત સંખ્યા ઉપર નિર્ધારિત થવો જોઈએ કે, દરરોજ સકારાત્મક કેસોમાં કેટલો વધારો થઇ રહ્યો છે.